કોઝિકોડ: કેરળમાં નિપાહ વાઈરસ વધુ વકરી રહ્યો છે ત્યારે ગઈ કાલે રાજ્યમાં આ વાઈરસથી વધુ બે વ્યકિતનાં મોત થતાં અત્યાર સુધીમાં આ વાઈરસે કુલ ૧૫ વ્યકિતનો ભોગ લીધો છે, જ્યારે વધુ નવ લોકો વાઈરસની ઝપટમાં આવતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કોઝિકોડ ડિસ્ટિક્ટ કોર્ટમાં વકીલ તરીકે કામ કરતા ૫૫ વર્ષીય કે. પી. મધુસૂદન અને ૨૮ વર્ષના અખિલને આ વાઈરસની અસર થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આ બંનેનાં મોત થયાં છે.
બીજી તરફ કોલકાતાના ફોર્ટ વિલિયમમાં કેરળના એક સૈનિકનું શંકાસ્પદ નિપાહ વાઈરસથી મોત થયું છે, જેમાં ૨૮ વર્ષના સૈનિકને આ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં પાંચ દિવસની સારવાર બાદ તેનું મોત થયું છે. સીનુ પ્રસાદના મૃતદેહને કેરળ લઈ જવાના બદલે કોલકાતામાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પ્રવકતાએ વધુમાં જણાવ્યું કે મૃતક સૈનિક એક મહિનાની રજા પર કેરળ આવ્યો હતો ત્યારે તે આ વાઈરસનો ભોગ બન્યો હતો. તેને ૧૩ જૂને ફરજ પર હાજર થવાનું હતું પણ તેનું મોત થયું છે. તેના અંતિમ સંસ્કાર વખતે તેની પત્ની અને તેના પરિવારના અન્ય સભ્ય હાજર રહ્યા હતા, જોકે તેનું મોત આ વાઈરસથી થયું છે કે કેમ તે અંગે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચી માહિતી બહાર આવશે.