ઉત્તરાખંડમાં ટ્રેકિંગ માટે ગયેલા અમદાવાદના યુવાનો ગુમ થવાનો મામલો, તમામને સુરક્ષિત સ્થળે ખસેડાયા

અમદાવાદ: ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાને કારણે પૂરની સ્થિતિ વચ્ચે શહેરના નારણપુરા અને ઘાટલોડિયામાં રહેતા નવ યુવકો પિથોરાગઢના ગૂંજી ગામ નજીકથી લાપતા થયા છે. છેલ્લા પાંચ દિવસથી પરિવારજનો સાથે તેમનો કોઈ સંપર્ક થયો નથી જેના કારણે પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

નારણપુરા અને ઘાટલોડિયામાં રહેતા નવ મિત્રો ઉત્તરાખંડ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. ગત ૩૦ જૂનના રોજ રાત્રે છેલ્લે ફોન પર વાતચીત થઇ હતી. પાંચ દિવસથી તેઓનો સંપર્ક ન થતાં પરિવારજનોએ રાજ્યના મુખ્ય સચિવ, અમદાવાદ કલેક્ટર, ઉત્તરાખંડના સ્થાનિક પ્રશાસનની મદદ માગી છે. સોશિયલ મીડિયામાં પણ ફોટા મોકલી તેમની ભાળ મેળવવાની શરૂઆત કરી છે.

નેપાળ બોર્ડર પાસે ઉત્તરાખંડના પિથોરાગઢમાં રવિવારે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટવાને કારણે ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. અમદાવાદના નારણપુરા અને ઘાટલોડિયામાં વિસ્તારમાં રહેતા તેજસ પટેલ અને તેમના મિત્રો ઉત્તરાખંડમાં ટ્રેકિંગ માટે ગયા હતા.

૩૦ જૂનના રોજ તેઓની પરિવાર સાથે વાતચીત થઇ હતી. વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે આગામી બે દિવસ માટે ઉપર ટ્રેકિંગ માટે જવાના છે માટે બે ત્રણ દિવસ સુધી સંપર્ક થઈ શકશે નહિ. ત્રણ દિવસ બાદ ફરીથી તેઓનો પરિવારજનોએ સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો. બે દિવસ સુધી રાહ જોયા બાદ પણ સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

પહેલી જુલાઈએ ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. પિથોરાગઢના અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં હતા. પૂરની સ્થિતિ વચ્ચે કૈલાસ માનસરોવર જતા યાત્રીઓ પણ ફસાઈ ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી પિથોરાગઢમાં હવામાન ખરાબ હોવાના કારણે અનેક યાત્રીઓ ફસાઈ ગયા છે.

પિથોરાગઢમાં ફસાયેલા કૈલાસ માનસરોવરના યાત્રીઓને બુધવારે હેલિકોપ્ટર મારફતે ગુંજી પહોંચાડવામાં આવ્યા હતા. વરસાદના પગલે તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે. પિથોરાગઢના ધારચૂલામાં નદીમાં તણાઇ જવાથી ત્રણ લોકોનાં મોત પણ નીપજ્યાં છે.

ઉત્તરાગઢના પિથોરાગઢ અને ગુંજીમાં ‍હવામાન હજુ પણ ખરાબ છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ તેજસ પટેલ સહિત તેમના મિત્રોનો સંપર્ક ન થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. બે દિવસથી હવામાન ખરાબ ચાલી રહ્યું હોવાથી કોઈ સંપર્ક પણ થતો ન હોઈ પરિવારજનોએ અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેની મદદ માગી હતી. કલેકટરે આ અંગે તપાસ કરતાં છેલ્લું લોકેશન પિથોરાગઢના ગૂંજી પાસે મળ્યું હતું. કલેકટરે પિથોરાગઢના સ્થાનિક પ્રશાશનને જાણ કરી હતી.

નારણપુરામાં રહેતા મેઘા પટેલના પતિ અને મિત્રો ઉત્તરાખંડ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. તેઓની સાથે વાતચીત બાદ ત્રણ દિવસ સુધી રાહ જોયા બાદ સંપર્ક ન થતા હાલમાં પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાયા છે. અમદાવાદ કલેક્ટરની મદદથી તેઓની ગાડીના નંબર અને ફોટોના આધારે પિથોરાગઢના સ્થાનિક પ્રશાશન દ્વારા રેસ્ક્યુ ટીમની મદદ લઇ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ અંગે અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે સ્થળ પર ભારે વરસાદ હોવાના કારણે સંપર્ક થતો નથી અને સ્થાનિકોના સંપર્કમાં છીએ. ઉત્તરાખંડ સરકારના અધિકારીઓ સાથે દર કલાકે અપડેટ માટે વાતચીત ચાલુ છે. અમારા પ્રયત્નો ચાલુ છે.

કોણ લાપતા થયા?
તેજસ પટેલ
પ‌િથક વસાણી
ચિન્મય વસાણી
અર્થ વ્યાસ
સુનીલ રાઠોડ
સમીર ગાંધી
કેયૂર પ્રજાપતિ
અન્ય બે વ્યક્તિ

You might also like