નવ મહિનામાં ૨૫૦ કાશ્મીરી યુવાન આતંકવાદી બની ગયા

અનંતનાગ: કાશ્મીરી યુવાનો મોટી સંખ્યામાં આતંકી સંગઠનોમાં જોડાઈ રહ્યા હોવાથી સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે. ગઈ સાલ જુલાઈમાં બુરહાન વાનીની એન્કાઉન્ટરમાં હત્યા બાદ ભડકી ઊઠેલી હિંસા અને વિરોધ, દેખાવો પછી આ વર્ષે માર્ચ સુધીમાં ૨૫૦ જેટલા યુવાન આતંકી સંગઠનોમાં જોડાઈ ગયા હોવાના ચોંકાવનારા અહેવાલો પ્રાપ્ત થયા છે.

કાશ્મીર ખીણમાં યુવાનો વધુને વધુ આતંકી સંગઠનોમાં જોડાઈ રહ્યા છે એ બાબતે જોકે કાશ્મીર પોલીસે મૌન ધારણ કર્યું છે. તેમનું કહેવું છે કે લાપત્તા થયેલા યુવાનોની શોધખોળ જારી છે. જોકે સુરક્ષા એજન્સીઓએ સૂત્રોએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં ખાસ કરીને દક્ષિણ કાશ્મીરમાં વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક છે. આ મામલામાં શક્ય હોય એટલી જલદી કાર્યવાહી કરવાની જરૂર છે.

શોપિયા, કુલગામ, પુલવામાં અને અવાન્તિપુરા એવા વિસ્તારો છે જ્યાંથી કાશ્મીરી યુવાનો લાપત્તા થયા હોવાના સમાચારો મળી રહ્યા છે. એવું કહેવાય છે કે લાપત્તા યુવાનો આતંકી સંગઠનમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં ધરપકડ કરવામાં આવેલ હિઝબુલના આતંકી આમિરવાગીએ આગામી મહિનામાં કાશ્મીર ખીણમાં આતંકી પ્રવૃત્તિમાં વધારો થવાની જાણકારી આપી છે. હિઝબુલ અને લશ્કર-એ-તોઈબા જેવાં બે આતંકી જૂથ છે જેમાં સૌથી વધુ યુવાનોની ભરતી થયાના સમાચાર છે. એવું કહેવાય છે કે જૈશ-એ-મોહમ્મદ જેવું સંગઠન આ યુવાનોનો ગાઈડ તરીકે ઉપયોગ કરે છે. કાશ્મીર ખીણમાં પ્રત્યેક આતંકવાદી જૂથની કમાન કાશ્મીરી યુવાનોના હાથમાં છે.

પથ્થરબાજને જીપ સાથે બાંધવાના મામલામાં સેના સામે FIR દાખલ
જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજને લશ્કર દ્વારા જીપની આગળ બાંધવાના મામલામાં કાશ્મીર પોલીસે લશ્કર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. બડગામ પોલીસે આ ઘટનામાં સેના વિરુદ્ધ FIR દાખલ કરીને તેની તપાસ શરૂ કરી દીધી છે.  સેનાએ જણાવ્યું છે કે પથ્થરમારાથી બચવા માટે આવું કરવામાં આવ્યું હતું, કારણ કે ૫૦૦ લોકોએ વિરવાહ મતદાન કેન્દ્રને ઘેરી લીધું હતું અને સુરક્ષાની દૃષ્ટિએ આ પગલું ભરવું પડ્યું હતું. પથ્થરબાજને ઢાલ બનાવવામાં આવ્યો ન હોત તો ૪૦૦ લોકોનાં ટોળાંએ ચૂંટણી અધિકારીઓ પર હુમલો કર્યો હોત.

http://sambhaavnews.com/

You might also like