નાઈન કિડ્સના સંચાલકોનું જક્કી વલણઃ વાલીઅોને મળવા ઇન્કાર

અમદાવાદઃ સીબીએસઇની માન્યતા તથા ફી વધારાના મુદ્દે બાંય ચઢાવી રહેલા એચબી કાપડિયા સ્કૂલ સંચાલિત મેમનગરની નાઈન કિડ્ઝ સ્કૂલના વાલીઓ સ્કૂલ પરિસરમાં એકત્રિત થયા હતા પરંતુ સ્કૂલના સંચાલકોએ વાલીઓ સાથે મિટિંગ કરવાની ના પાડી દીધી હતી.

આ અંગે વાલીઓનો આક્ષેપ હતો કે, સ્કૂલમાંના ટ્રસ્ટીએ તારીખ 27ફેબ્રુઆરી સાંજે મુલાકાત કરવાનું કીધું પરંતુ ગઈ કાલે જાણવામાં આવ્યું કે સ્કૂલમાં કોઈ મિટિંગ કરવામાં આવશે નહિ અને સ્કૂલ ટ્રસ્ટીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે સ્કૂલ કેમ્પસમાં કોઈ વાલીઓ સાથે મિટિંગ કરવી નથી.

નાઈન કિડ્ઝના બાળકોએ જુનિયર કે.જી.માં પ્રવેશ લીધો ત્યારે ધોરણ-૧થી સીબીએસઇ બોર્ડ લાગશે તેમ કહી ઊંચી ફી વસૂલી હતી અને હવે જ્યારે વિદ્યાર્થીઓ ધોરણ-૧માં આવવાના છે ત્યારે સીબીએસઇ બોર્ડના બદલે ગુજરાત બોર્ડમાં પ્રવેશ આપવાનું કહેવામાં આવી રહ્યું છે.ઉપરાંત ધોરણ-૧ની ફી રૂ. ૫૦ હજાર જેટલી રાખવામાં આવી હોઈ વાલીઓએ આ ફી વધારાનો પણ વિરોધ કર્યો હતો. આ મુદ્દે વાલીઓના હોબાળા બાદ સ્કૂલ સંચાલકોએ બે દિવસનો સમય માગ્યો છે ત્યાર બાદ વાલીઓ સાથે બેઠક કરી પ્રશ્નનો નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

અમદાવાદની એચબી કાપડિયા મેમનગર સ્કૂલના સંચાલકો દ્વારા સીબીએસસી માન્યતા ન હોવા છતાં પણ સીબીએસસી પ્રમાણે ફી લેવામાં આવી રહી છે. આ ફીનું ધોરણ ચાલીસ હજારથી લઈને બે લાખ સુધીનું છે. આ સ્કૂલમાં નર્સરી, કે.જી અને સિનિયર કે.જીની ફીમાં વારંવાર દસ ટકાથી પણ વધુ ફી વધારો કરવામાં આવી રહ્યો છે તેવો પણ આક્ષેપ આજે વાલી મંડળે લગાવ્યો હતો. વધારાની ફી પરત કરવામાં નહીં અાવે તો ઉગ્ર અાંદોલનની પણ વાલીઅોઅે ચીમકી ઉચ્ચારી હતી.

છેલ્લાં કેટલા દિવસથી લડત ચલાવતાં વાલીઅો શું કહે છે
સ્કૂલમાં ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને ત્રણ-ત્રણ વાર રજૂઆત કરવા ગયા હતા પણ અમોને તેઓએ યોગ્ય જવાબ કયારેય આપ્યો નથી. ટ્રસ્ટીએ કહી દીધું હતું કે ર૭ તારીખે આવજો ત્યારે નિરાકરણ લાવી દઇશું, પરંતુ હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી.
– દેવાંગ પટેલ, મેમનગર
સ્કૂલમાં જે પ્રમાણે સીબીએસઇ બોર્ડ થયેલ નથી. તેમ છતાં એડમિશન લઇને ચિંટીગ કરેલ છે અને સીબીએસઇ માન્ય નથી તેમ છતાં સ્કૂલ સીબીએસઇ પ્રમાણે ચલાવાઇ રહી છે જે ખોટું છે. સ્કૂલમાં ૯૦ ટકા શિક્ષક કવોલિફાઇડ નથી અને ઊંચી ફી ઉઘરાવીને વાલીઓ સાથે છેતરપિંડી કરાઇ છે.
– કિશનભાઇ પરમાર, મેમનગર
સ્કૂલના ટ્રસ્ટીઓને અમે રજૂઆત કરીને જણાવ્યું હતું કે સ્કૂલ સીબીએસઇ માન્ય છે કે નહીં તે જણાવો? જો માન્ય હોય તો સરકારનો લેટર બતાવો, પરંતુ યોગ્ય જવાબ સ્કૂલ તરફથી અપાતો નથી. આ સ્કૂલ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે.
– મોન્ટી દેસાઇ, ઘાટલોડિયા

http://sambhaavnews.com/

You might also like