રાજ્યમાં અકસ્માતોની વણજારઃ કાકા-ભત્રીજા સહિત નવનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર બનેલા માર્ગ અકસ્માતનાં બનાવોમાં કાકા-ભત્રીજા સહિત નવ વ્યક્તિનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ-સરધાર રોડ પર હલેન્ડા ગામ નજીક તુલસી હોટલ પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલી યુટીલિટી ગાડીએ બાઇકસવારને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં જસદણ તાલુકાના બળધોઇ ગામનાં કૌટુંબિક કાકા-ભત્રીજાના લાલજીભાઇ નરસીભાઇ મીઠાપરા (ઉ.વ.પર) અને માવજીભાઇ હકાભાઇ મીઠાપરા (ઉ.વ.૪ર) બંનેનાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.

આ બંને કાકા-ભત્રીજા જંતુનાશક દવા લોવા માટે જસદણ તરફ જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાના પગલે ભાવનગર-રાજકોટ હાઇવે પરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો.  જ્યારે કચ્છના કંડલા આઇએમસી રેલવે ફાટક પાસે પણ અકસ્માત સર્જાયો હતો. રેલવે ફાટક નજીકથી પુરઝડપે પસાર થયેલા ટેન્કરે ત્રણ યુવાનોને અડફેટે લેતા ટેન્કરના વ્હીલ નીચે આવી જતા આ ત્રણેય અબ્દુલ રઝાક ચેલા (ઉ.વ.ર૦), સુલતાન ગની બાફડા (ઉ.વ.૧૯) અને ફારૂક મામદ બલોચ (ઉ.વ.ર૦)ના ઘટના સ્થળે જ મોત થયા હતા.

આ ઉપરાંત નવસારી-ચીખલી રોડ પર બે ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઊભેલા એક ટેમ્પા પાછળ બીજો ટેમ્પો ઘૂસી જતા સર્જાયેલા આ અકસ્માતમાં ટેમ્પામાં બેઠેલી ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

તેમજ વંથલી-માણાવદર રોડ પર ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે. પોલીસે આ અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like