ચૈત્રી નવરાત્રિનો આજથી ભવ્ય પ્રારંભ, મા અંબેનાં મંદિરે ઉમટ્યાં અનેક ભક્તો

ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજ રોજનાં દિવસે મા અંબેનાં નિજમંદિરમાં 9 કલાકે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ઘટ સ્થાપનની સાથે જ સમગ્ર ગુજરાતમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને મા અંબાનાં ધામમાં ભક્તો આજથી નવ દિવસ સુધી મા અંબાની સાધના આરાધના કરી પુણ્યુનું ભાથું બાંધશે.

51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ એટલે અંબાજી ધામ. શક્તિપીઠ અંબાજીમાં આવેલ અતિપવિત્ર એવા મા અંબાનાં ધામમાં નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી ભટ્ટજી મહારાજ દ્વારા સમગ્ર ધાર્મિક વાતાવરણમાં આદ્યશક્તિનાં વેદમંત્રો સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું.

આ ઘટ સ્થાપનની સાથે જ સમગ્ર ગુજરાતમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે ચૈત્રી નવરાત્રિનાં પાવન પર્વનાં પ્રથમ
દિવસે શક્તિપીઠ અંબાજીમાં માનવ મહેરામણમાં મા અંબાનાં દર્શને ઉમટી પડયું હતું.

કહેવાય છે કે જ્યારે દેવી સતીએ પ્રજાપતિ દક્ષનાં યજ્ઞમાં પોતાનાં દેહને યોગાગ્નિમાં બાળીને ભસ્મ કર્યો હતો. ત્યારે દેવી સતીનાં તે દાઝેલા શરીરને લઈને મહાદેવ વિરહનાં વિયોગમાં બ્રહ્માંડમાં આમતેમ ફરતાં હતાં.

ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનાં સુદર્શન ચક્ર વડે સતીનાં દેહનાં ટુકડાં કરી નાંખ્યા અને હ્રદયનો ભાગ અરવલ્લીનાં આરાસુર ક્ષેત્રની આ જ જગ્યા પર પડયો હતો. માટે આ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાય છે અને અહીં દેવી આદ્યશક્તિની પૂજા આરાધના કરવામાં આવે છે.

આમ તો વર્ષની ચારેય નવરાત્રિ અહીંયા ખૂબ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે ચૈત્રી નવરાત્રીનાં પાવન પર્વ પર વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. નિજ મંદિરમાં સ્થાપિત વીસા યંત્રની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવે છે.

ત્યારબાદ વહેલી સવારમાં આદ્યશક્તિની આરતી કરવામાં આવે છે. આજનાં આ પાવન પર્વ પર વહેલી સવારથી જ ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે ઉમટી પડ્યાં હતાં. વૈદિક મંત્રોચ્ચાર સાથે મા અંબાની સન્મુખ ઘટ સ્થાપનાની વિધિ દરમ્યાન દિવ્ય નજારો મા અંબાનાં ધામમાં જોવા મળ્યો હતો. સવારથી જ ત્યાં દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં કરવામાં આવેલ ઘટ સ્થાપના વિધિનાં સાક્ષી બન્યાં હતાં.

You might also like