ISIS મોડયૂલઃ મહારાષ્ટ્ર ATS દ્વારા મુંબ્રા-ઔરંગાબાદમાંથી નવની ધરપકડ

(એજન્સી) મુંબઇ: પ્રજાસત્તાક દિન પૂર્વે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ એક મોટું ઓપરેશન હાથ ધરીને મુંબઇ નજીકના થાણે જિલ્લાના મુંબ્રામાંથી ચાર અને ઔરંગાબાદથી આઇએસઆઇએસ મોડયૂલના શકમંદોને ઝડપી લીધા છે.

મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના જણાવ્યા અનુસાર આ તમામ શકમંદો બેંગલુરુના સંગઠન પોપ્યુુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના સભ્યો છે અને આઇએસઆઇએસના મોડયૂલ પર કામ કરી રહ્યા હતા.

એટીએસના જણાવ્યા અનુુસાર આઇએસઆઇએસ મોડયૂલના સંદર્ભમાં હજુ મહારાષ્ટ્રની બહાર પણ વધુ ધરપકડો થઇ શકે છે. મુંબ્રાથી ઝડપી લેવાયેલ ચાર શકમંદો- મોહંમદ મજહર શેખ, મોહસીનખાન, ફહાદ શાહ અને તકી સહિત અા ચારેય સુશિ‌િક્ષત યુવાન છે જે પીએફઆઇની ઔરંગાબાદ શાખા સાથે સંકળાયેલા હતા. આ શાખાનો પ્રમુખ સલમાન હોવાનું જણાય છે. સલમાન થોડા દિવસ અગાઉ જ મુબ્રા આવ્યો હતો. ઔરંગાબાદથી મોહંમદ મોહસીન, સિરાજખાન, સિરાજુલ્લાખાન, તેના બે સાળા સરફરાઝ અને મોહંમદ તકીઉલ્લાખાનને ઝડપી લેવાયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુબ્રાના ચારેય શકમંદોની સલમાન સાથે રમજાનના રોજા વખતે મસ્જિદમાં થતી બેઠક દરમિયાન મુલાકાત થઇ હતી અને ત્યાર બાદ આ ચારેય સલમાનના સતત સંપર્કમાં હતા. એટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આ તમામ શકમંદો સિરિયા જવાના હતા અને ત્યાં તેમને આતંકવાદી તાલીમ આપવાની હતી. એટીએસ હાલ આ શકમંદોની સખ્તાઇથી પૂછપરછ કરી રહી છે.

મુબ્રામાં ઝડપાયેલ ચાર શકમંદોમાં એક શકમંદ સગીર વયનો હોવાનું કહેવાય છે. ઝડપાયેલ મોહંમદ મજહર શેખ મિકેનિકલ એન્જિનિયર અને મોહસીનખાન સિવિલ એન્જિનિયર છે. જ્યારે ફહાદ શાહ આર્કિટેકટ છે. મજહરના ભાઇ અજહરે જણાવ્યું હતું કે મજહર ઔરંગાબાદમાં પોતાના એક મિત્ર સલમાનના નિકાહમાં જવાની વાત કરીને ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ તેનો મોબાઇલ બંધ થઇ ગયો હતો.

શકમંદોની મોડી રાત્રે દરોડા પાડીને ધરપકડ કરવામાં આવી હતી. તમામ શકમંદો પાસેથી મોબાઇલ ફોન, સીમકાર્ડ અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યાં છે.

You might also like