ટૂંક સમયમાં ફરી થિયેટરમાં જોવા મળીશ: નિમ્રત કૌર

આજની સૌથી વધુ પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં સામેલ એવી નિમ્રતકૌરે બાલાજી સાથે પોતાની વેબ સિરીઝ ટેસ્ટ પૂર્ણ કરી. તે કહે છે કે આ ખૂબ જ પડકારજનક ભૂમિકા હતી, તેમાં મારી ઘણી એનર્જી ખર્ચાઇ છે. આ સિરીઝમાં એક જબરદસ્ત મેસેજ છુપાયેલો છે. મને આશા છે કે તમામ પુરુષો અને મહિલાઓ તેમાં ખુદને જોડાયેલાં અનુભવશે.

આ ફિક્શન એક બેસ્ટ પીસ છે અને મારી કરિયરનો ખાસ ભાગ. આ એક એવી છોકરીની કહાણી છે કે જે સેનામાં કમાન્ડો છે. નિમ્રતે અમે‌િરકી ટીવી સિરિયલ હોમલેન્ડ પણ કરી, તેમાં તેનો શાનદાર અનુભવ રહ્યો. તે કહે છે કે મેં આ માટે કેપટાઉનમાં ચારથી પાંચ મહિના સુધી શૂટિંગ કર્યું. તે મારી જિંદગીનો સૌથી બેસ્ટ અનુભવ હતો.

કેપટાઉનમાં શૂટિંગ દરમિયાન નિમ્રતને ઘણી બધી બાબતો શીખવા મળી. તે કહે છે કે મારા સહાયક અભિનેતા ખૂબ જ શાનદાર હતા. મને ગર્વ છે કે આટલા સારા ડિરેક્ટર્સ સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. નિમ્રત થિયેટરને પણ મિસ કરે છે. તે કહે છે કે હું થિયેટરમાં પરત જવા ઇચ્છીશ, જોકે હાલનો સમય તે કરવા માટે યોગ્ય નથી, પરંતુ ફ્યૂચરમાં હું સો ટકા થિયેટરમાં પરત ફરીશ. કોઇ નાટકમાં જે રીતે તમે સમય અને કમિટમેન્ટ આપો છો તે હાલમાં મારી પાસે નથી, પરંતુ એક દિવસ થિયેટરમાં ચોક્કસ પર્ફોર્મન્સ આપીશ. •

You might also like