મહામંત્ર અર્થ પ્રકાશ

ભગવાન શ્રી નીલકંઠવર્ણીના મુખારવિંદમાંથી વરસતાં અમૃત વચનોનું પાન કરીને સર્વ સભા ધન્ય થઇ રહી હતી. મુક્ત મુનિએ ફરીથી હાથ જોડી પ્રશ્ન કર્યો, ‘વર્ણીરાજ! અમને આ મહામંત્રનો અર્થ સમજાવો.’

નીલકંઠવર્ણી બોલ્યા, ‘મુક્તમુનિ! સ્વામિનારાયણ મહામંત્રનો અર્થ સાગરથી પણ અગાધ અને આકાશથી પણ અનંત છે સાગરને પી ન શકાય, એમાંથી આચમન અવશ્ય કરી શકાય, એ જ ન્યાયે આ મહામંત્રના અર્થનો સાર આપને કહું.’

સંસ્કૃત ભાષાની દૃષ્ટિએ ‘નારાયણ’ મંત્રનો અર્થ નીચે પ્રમાણે છે

‘નારાયણ’ મંત્રમાં મૂળ શબ્દ નર છે. નિત્ય, નિર્વિકાર અને સદા સાકાર પરમાત્માને શાસ્ત્રો નર કહે છે. ગુણધર્મથી પરમાત્માને સમાન હોવાથી સ્વરૂપથી શુધ્ધ આત્માઓ પણ નર કહેવાય છે.

નરમાંથી નાર શબ્દ બને છે. નાર સાથે અયન શબ્દ જોડાય છે અને વ્યાકરણના સૂ્ત્રથી નારાયણ સંજ્ઞા બને છે. જે પરાત્પર પરમાત્માનો બોધ કરાવે છે.

નાર શબ્દના ત્રણ અર્થ છે, પરમાત્માનું દિવ્ય તેજ, ચેતન તત્ત્વોનો સમુદાય અને અચેતન તત્ત્વનો સમુદાય.

સંસ્કૃત ભાષાની દૃષ્ટિએ અયન શબ્દના અનેક અર્થ છે, ‘સર્વમાં વ્યાપીને રહેવું, પ્રલય સમય સર્વને પોતામાં સમાવી લેવું, સર્વ કોઇ માટે આશરો કરવા યોગ્ય હોવું.’

‘જડ ચેતન સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ હોવાથી પરમાત્માને ‘નારાયણ’ કહેવાય છે.’

‘સમસ્ત જડ ચેતન વિશ્વમાં વ્યાપક અને સર્વના ધારક હોવાથી પરમાત્માને નારાયણ કહેવાય છે.’
‘પરમાત્મા અંતર્યામીરૂપે જડ ચેતન વિશ્વનું નિયમન કરે છે, માટે પરમાત્માને નારાયણ કહેવાય છે.’

‘પ્રલયકાળે જડ ચેતન સમસ્ત વિશ્વ પરમાત્માના ખોળામાં વિરામ કરે છે. માટે પરમાત્માને નારાયણ કહેવાય છે.’

મુક્તિ માટે એ પરમાત્મા જ સર્વ પ્રકારે આશ્રય કરવા યોગ્ય છે. માટે એને નારાયણ કહેવાય છે.
‘વાસ્તવમાં આ નારાયણ મંત્ર અસાધારણ રીતે પરમાત્માનો જ વાચક છે, પરંતુ સમજ જતાં આ મંત્ર અનેક દેવો માટે વપરાવા લાગ્યો. ઉપરાંત, આ મંત્રની આગળ જાતજાતના વિશેષણો લગાડવામાં આવ્યા. જેમ કે વિરાટ્નારાયણ, સૂર્યનારાયણ વગેરે. જેને લીધે જાણે અજાણે આ મંત્રના અર્થનું અવમૂલ્યન થવું. નારાયણ મંત્રના મૂળ અર્થને પુનઃ સ્થાપિત કરવા માટે અમે આ મંત્રની આગળ સ્વામી વિશેષણ જોડયું છે.’

સંસ્કૃતમાં ‘સ્વ’ શબ્દના અર્થ છે ધન, સમૃદ્ધિ, ઐશ્વર્ય વગેરે.

આ અનંત વિશ્વની અનંત પ્રકારની ભોગ સમૃદ્ધિ, વૈભવ વગેરે સર્વના એકમાત્ર માલિક ભગવાન નારાયણ છે, બીજો કોઇ નથી. માટે તે ‘સ્વામી’ કહેવાય છે.

તૈતરિય ઉપનિષદમાં કહ્યું છે કે એ નારાયણ જડ ચેતન વિશ્વના પતિ છે, અર્થાત્ સર્વના પાલક, નિયામક અને સ્વામી છે.

નાનાં મોટાં દેવી દેવતાઓ પાસે જે ભોગ સમૃદ્ધિ છે તે ભગવાન નારાયણે આપેલી છે. ‘સ્વ’ શબ્દનો બીજો અર્થ છે ‘ઐશ્વર્ય’ એટલે કે નિયમન સામર્થ્ય. ભગવાન નારાયણ જીવ, ઇશ્વર, માયા અને બ્રહ્મ સર્વના નિયંતા છે માટે તે ‘સ્વામી’ કહેવાય છે.

અસાધારણ અર્થમાં ભગવાન નારાયણ સિવાય બીજો કોઇ સ્વામી નથી. અન્ય જગ્યાએ ‘સ્વામી’ શબ્દ વપરાયો હોય તો તો તે ગૌણ અર્થમાં હોય છે, મુખ્ય અર્થમાં નહીં.

ભગવાન નારાયણનું સ્વામિત્વ અનંત અને અમર્યાદિત છે. અન્યત્ર જે સ્વામિત્વ છે તે મર્યાદિત છે, ભગવાન નારાયણે આપેલું છે અને સેવકભાવે સહિત છે.

‘જેમ કે ઇન્દ્ર ત્રિલોકીના સ્વામી છે, પણ વૈરાજનારાયણના દાસ છે.’
‘વૈરાજપુરુષ એક બ્રહ્માંડના સ્વામી છે, પરંતુ અક્ષરબ્રહ્મના દાસ છે.’
‘અક્ષરબ્રહ્મ અનંત ઇશ્વરોના સ્વામી છે, પરંતુ પરબ્રહ્મના દાસ છે.’
‘પરબ્રહ્મ સર્વના સ્વામી છે, એ કોઇના દાસ નથી, માટે અસાધારણ અર્થમાં ‘સ્વામી’ વિશેષણ પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણને જ લાગુ પડી શકે છે, બીજા કોઇને નહીં.’

‘આ રીતે આ ‘સ્વામિનારાયણ’ મહામંત્ર સર્વ કારણનાં કારણ, સર્વના સ્વામી’ સર્વોપરી, સર્વાવતારી, પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણનો વાચક છે, માટે જ આ મંત્ર માત્ર મંત્ર નથી, મહામંત્ર છે. હાથીનાં પગલાંમાં બીજાં સર્વ પગલાં સમાઇ જાય, એ રીતે આ મહામંત્રમાં અન્ય સર્વ મંત્રોના અર્થ સમાઇ જાય છે.

નીલકંઠવર્ણીના મુખેથી મહામંત્રનો મહિમા સાંભળીને ભક્તજનોના અંતર અહો અહો પોકારી ઊઠયા.•
સ્વામી માધવપ્રિયદાસજી શાસ્ત્રી એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી.

You might also like