આ બ્રહ્મચારી કોણ હશે ?

એક બાજુ નીલકંઠ ભોજન આરોગી રહ્યા હતા, બીજી બાજુ મહેતાના મનમાં વારંવાર એક પ્રશ્ન ઘોળાઇ રહ્યો હતો, ‘અા તેજસ્વી બ્રહ્મચારી કોણ હશે ?’

નરસિંહ મહેતાનાં અંતરમાં વારંવાર બે વાત ઊઠી રહી હતી. એક તો ‘ગિરિનારની આકાશવાણી’ અને બીજું સદ્દગુરુ રામાનંદ સ્વામીની ‘ભવિષ્યવાણી!’

નરસિંહ મહેતા યોગભ્રષ્ટ જીવ હતા. બાળપણથી એના અંતરમાં પરમાત્માના સાક્ષાત્કારની તીવ્ર ઇચ્છા હતી. આ માટે એમણે બાર બાર વર્ષ સુધી આકરાં વ્રત-તપ કર્યાં હતા, ગિરનારને ખૂણે ખૂણે પરમાત્મદર્શન કરાવે એવા સિદ્ધ પુરુષની શોધ કરી હતી, પરંતુ એની ઇચ્છા પૂર્ણ થઇ ન હતી, એટલે મહેતાએ આખરે ગિરનારની ઊંચી ટોચ ઉપરથી પડીને મરવાનો નિર્ધાર કર્યો હતો.

જેવું એ ઊંચા શિખર પરથી શરીરને પડતું મેલવા ગયા, એ જ સમયે આકાશમાંથી ત્રણ-ત્રણ વાર આકાશવાણી થઇ, ‘મહેતા ! માનવદેહ દેવોને પણ દુર્લભ છે, આત્મહત્યા ઘોર પાપ છે, મરવાનું માંડી વાળ્ય, ભગવાન સામેથી તારે ઘેર આવશે !’

નરસિંહ મહેતાએ જ્યારે પહેલીવાર આકાશવાણી સાંભળી ત્યારે એણે એ દિવ્યવાણીને મનની ભ્રમણા માની, ફરીવાર મરવાનો નિરધાર કર્યો, પણ જ્યારે આકાશવાણીએ બીજીવાર અને ત્રીજી વાર રોક્યા, ત્યારે મહેતાએ મરવાનું માંડી વાળ્યું; આકાશવાણીમાં વિશ્વાસ રાખી ઘરઆંગણે પરમાત્માની પ્રતીક્ષા કરવાનો નિરધાર કર્યો.

આ જ અરસામાં એને સદ્ગુુરુ રામાનંદ સ્વામીનો જોગ થયો અને નરસિંહ મહેતાનું અંતર સદ્ગુરુનાં ચરણમાં ઠરી ગયું. સદ્ગુુરુ રામાનંદ સ્વામી અવારનવાર ભક્તોની સભામાં કહેતા હતા કે, ‘અમે તો ડુગડુગી વગાડનારા છીએ, ખરા ખેલના ભજવનારા તો હવે આવશે. અમે તો ગણેશનો વેષ લઇને પડ બાંધીએ છીએ, ખરો નટવર તો હવે આવશે.’

જારનું ધાન અને દૂધ આરોગી રહેલા તેજસ્વી મૂ‌િર્ત નીલકંઠનું દર્શન કરતા કરતા નરસિંહ મહેતાના મનમાં થઇ રહ્યું હતું કે, ‘આકાશવાણી અને ભવિષ્યવાણી બંને એક સાથે સત્ય તો નથી થઇ રહ્યા ને !’

એક બાજુ ભોજન આરોગી રહેલા નીલકંઠના શરીરમાંથી તેજોવલય પ્રસરી રહ્યા હતા અને બીજી બાજુ નરસિંહ મહેતાનું અંતર પોકારી ઊઠતું હતું કે, ‘મહેતા ! આકાશવાણીએ જેની વાત કરી હતી અને સદ્ગુરુએ જેેનો સંકેત કર્યો હતો તે આ જ છે,’ પરંતુ મહેતાનું મન હજુ પૂરી રીતે સ્વીકારવા તૈયાર નહોતું.

આખરે જ્યાં સુધી સદ્ગુરુ રામાનંદસ્વામી સ્પષ્ટ રીતે નિર્દેશ ન કરે, ત્યાં સુધી નરસિંહ મહેતાએ કોઇ પણ નિર્ણય કરવાનું માંડી વાળ્યું.

નરસિંહ મહેતા અને કલ્યાણજીના અંતરમાં પોતાનાં સ્વરૂપના નિશ્ચયનાં બીજ વાવીને નીલકંઠ ત્યાંથી નીકળી ગયા.•
-લે. શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી

You might also like