નિકોલમાં મારામારીમાં ઘાયલ યુવકનું મોત

અમદાવાદ: શહેરમાં સામાન્ય બાબતે બોલાચાલી અને મારામારીના બનાવો પૂર્વ વિસ્તારમાં હવે રોજના બની ગયા છે, પરંતુ આ મારામારીમાં માણસ પોતાનો જીવ પણ ગુમાવે છે. શહેરના નિકોલ વિસ્તારમાં રસપાન પાર્ટી પ્લોટ નજીક ચારેક દિવસ અગાઉ ત્રણ શખસોએ બે યુવકોને અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ઢોર માર મારતાં બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નિકોલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

નિકોલના ન્યુ ઈન્ડિયા કોલોની વિસ્તારમાં અંકુર ટેનામેન્ટમાં વિવેક જીતેન્દ્રભાઈ પાટીલ (ઉ.વ.૨૪) રહેતો હતો. ગુરુવારે મોડી રાત્રે વિવેક અને તેનો મિત્ર ધર્મેન્દ્ર નિકોલના રસપાન પાર્ટી પ્લોટ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અંકુર રો-હાઉસ ન્યૂ ઈન્ડિયા કોલોની ખાતે રહેતા ખેતાભાઈ લધુભાઈ ભરવાડ અને અન્ય બે શખસો આવ્યા હતા અને બે દિવસ અગાઉ ખેતાભાઈ સાથે થયેલી ઝઘડાની અદાવત રાખી વિવેકને લાકડીઓ વડે માર માર્યો હતો.

મિત્ર ધર્મેન્દ્ર છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ત્રણેયે ઢોર માર માર્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. દરમિયાનમાં ગઈ કાલે વિવેક પાટીલનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે આરોપી ખેતાભાઈ ભરવાડની ધરપકડ કરી છે.

You might also like