ચાર નાગરિકોનો ભોગ લેવાયા બાદ ડિમોલેશનની ગાઈડલાઈન બનાવાશે

અમદાવાદ: નિકોલ ગામ રોડ ખાતે મ્યુનિ. કોર્પોરેશનની ગુનાઈત બેદરકારીથી ચાર-ચાર મહામૂલી જિંદગી અકાળે મુરઝાઈ ગઈ. શહેરભરમાં નઘરોળ તંત્ર સામે જબ્બર રોષ ફાટી નીકળ્યો, જેના કારણે કોર્પોરેશનના ઇતિહાસની સૌથી કલંકિત ઘટનાનું ફરી પુનરાવર્તન ટાળવા માટે સત્તાધીશો રહી-રહીને શાણપણ દાખવવા જઈ રહ્યા છે એટલે કે કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની ગાઈડલાઈન તૈયાર કરાશે.

મ્યુનિ. સત્તાવાળાઓએ નિકોલ ખાતે ડિમોલેશન દરમિયાન સાવ અણઘડ રીતે કામગીરી હાથ ધરી હતી. અસરગ્રસ્તોને પોતાનો કીમતી માલસામાન બહાર કાઢવાનો સમય પણ અપાયો ન હતો. એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હતી, વીજલાઈનને બંધ કરાઈ ન હતી. ફાયરબ્રિગેડ હાજર ન હતું, રોડ બંધ કરાયો ન હતો, બે‌િરકેડિંગ કરાયું ન હતું. ઉપરાંત ખૂબ જ ઉતાવળે અને અસરગ્રસ્તો ઉપર સત્તાનાે રૂઆબ છાંટીને તોડફોડની કામગીરી હાથ ધરાઈ હતી. મહિલાઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પોલીસતંત્રના સંકલનમાં રહીને કુનેહપૂર્વક કામ કરવાના મામલે મ્યુનિ. તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.

નિકોલ કરુણાંતિકામાં જે પ્રકારે કોર્પોરેશન પર પસ્તાળ પડી છે. ખુદ મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલે સમગ્ર બાબતે કડક તપાસ કરવાની સૂચના તંત્રને આપી છે. આનાથી કોર્પોરેશનના મોટા મોટા અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ છે. મેગા સિટી, સ્માર્ટ સિટી, ક્લીન સિટી, ગ્રીન સિટી અને બ્લૂ સિટીના દાવા કરનારા શાસકો પણ નિકોલ ખાતેના સામાન્ય ડિમોલેશનમાં રાજ્યભરમાં અમદાવાદની ફજેતી થવાથી કફોડી હાલતમાં મુકાયા છે.

ભવિષ્યમાં નિકોલ કરુણાંતિકાનું પુનરાવર્તન થાય તો એના ગંભીર પડઘા ડિસેમ્બર-૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ પડી શકે છે. ભાજપનો ગઢ ગણાતા અમદાવાદમાં શાસક પક્ષને લોકોના રોષનો ભોગ બનવું પડે તેવી શક્યતા માત્રથી સત્તાધીશો ચોંકી ઊઠ્યા છે. પરિણામે ડિમો‌િલશનની ગાઈડલાઈન તૈયાર કરવાની તંત્રને તાકીદ કરાઈ છે.

મેયર ગૌતમ શાહ કહે છે, ‘ભવિષ્યના ડિમોલેશનના સંદર્ભમાં સુવ્યવસ્થિત ગાઈડલાઈન તૈયાર કરવાની સૂચના કમિશનર ડી. થારાને અપાઈ છે. આ ગાઈડલાઈનના આધારે હવે પછીનાં ડિમોલેશન હાથ ધરવાની તંત્રને તાકીદ કરાઈ છે, જોકે ગાઈડલાઈન તૈયાર કરવાની ચોક્કસ સમયમર્યાદા અપાઈ નથી, પરંતુ શક્ય તેટલી ઝડપે આ ગાઈડલાઈન તંત્ર તૈયાર કરશે.’

You might also like