નિકોલકાંડના એક મહિના પછી પણ તપાસ ઠેરની ઠેર

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત નિકોલ ગામ રોડ ખાતે ઓપરેશન ડિમો‌િલશન દરમ્યાન દીવાલ ધરાશાયી થવાથી ચાર નિર્દોષ નાગરિકોના રામ રમી ગયા હતા. હવે એક મહિનાથી ઉપરનો સમયગાળો થઇ ચૂક્યો છે. તેમ છતાં આઘાતજનક બાબત એ છે કે તંત્ર દ્વારા નિમાયેલી તપાસ સમિ‌તિની તપાસ તદ્દન ‘ગોકળગાય’ ગતિએ ચાલી રહી છે.

ગત તા.૧ર એ‌િપ્રલના રોજ બનેલી ઘટના બાદ. સત્તાધીશો દ્વારા ગણતરીના કલાકોમાં ત્રણ-ત્રણ વખત તપાસ સમિતિની જાહેરાતમાં ફેરબદલ કરાયો હતો. છેવટે ચાર સભ્યોની તપાસ સ‌મિતિ પર મહોર મરાઇ, જેમાંથી ત્રણ મ્યુનિ. નંત્રના ડેપ્યુટી કમિશનર છે અને એક રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી છે. કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત મેયર ગૌતમ શાહની આગવી પહેલથી નિકોલ કરુણાંતિકા ચર્ચવા ખાસ મ્યુનિ. બોર્ડ ગત તા.ર૯ એ‌િપ્રલે બોલાવાયું હતું. છેવટે ત્યારબાદ પણ તંત્ર અસરગ્રસ્તોને ન્યાય અપાવી શક્યું નથી. બીજી તરફ તપાસ સમિતિના એક સભ્ય અને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર આર. બી. બારડને તામિલનાડુના ચૂંટણી નિરીક્ષકની ફરજ પર મોકલી દેવાયા છે. જે હવે ચૂંટણી પતી ગઇ હોવાથી આગામી તા.ર૦ મેએ અમદાવાદ પરત ફરશે. ત્યાર બાદ જ આ તપાસ સમિતિમાં પ્રાણ પુરાશે!

You might also like