નિકમ, અધિકારીએ અમેરિકાની ખાનગી રીતે મુલાકાત લીધી હતી

મુંબઇ : ૨૬/૧૧ આતંકી હુમલા કેસના આરોપી અને તાજેતરમાં તાજના સાક્ષી તરીકે કોર્ટ દ્વારા સ્વીકારાયેલા ડેવિડ હેડલી અંતર્ગત નવો ધડાકો થયો છે. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકયુટર ઉજ્જવલ નિકમ અને મુંબઈ પોલીસના સિનિયર અધિકારી બન્ને ગુપ્ત રીતે ત્રણ મહિના પહેલાં અમેરિકા ગયા હતાં. ડેવિડ હેડલીને તાજનો સાક્ષી બનાવવાની બાબતે કરાર કરવા અને તેને અંતિમ ઓપ આપવા માટે અમેરિકી ન્યાય ખાતા સાથે આ બન્નેએ બેઠક કરી હતી.

ડેવિડ હેડલીએ એવી શરત રાખી હતી કે પોતાને માફી આપવામાં આવે તો પોતે તાજનો સાક્ષી બનવા તૈયાર છે. ઘણી લાંબી ચર્ચા અને મસલતો બાદ કોર્ટે ડેવિડ હેડલીની આ શરત સ્વીકારી હતી અને તેને માફી આપીને તાજના સાક્ષી જાહેર કર્યો હતો પરંતુ આ બધી ગોઠવણ ગુપ્ત રીતે અમેરિકામાં થઈ હતી અને ઉજ્જવલ નિકમ તથાં એક સિનિયર પોલીસ અધિકારીએ ગુપ્ત રીતે અમેરિકા જઈને આ ગોઠવણ કરી હતી તેવો ધડાકો એક અંગ્રેજી અખબારના અહેવાલમાં કરવામાં આવ્યો છે.

અખબારના અહેવાલ મુજબ એફબીઆઈ અને ન્યાય ખાતાના અધિકારીઓ સાથે અમેરિકામાં ઉજ્જવલ નિકમ અને સિનિયર અધિકારી અતુલ ચંદ્ર કુલકર્ણીએ બેઠકો કરી હતી અને હેડલીને તાજનો સાક્ષી બનાવવાની તૈયારી બતાવી હતી. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આમ કરવાની છૂટ આપી હતી તેવો ઉલ્લેખ પણ અહેવાલમાં છે. અમેરિકાની આ યાત્રા દરમિયાન જ પ્રાથમિક કરારો થઈ ગયા હતાં અને હેડલી સામે ભારતમાં ખટલો ચાલે તે વાત પર અમેરિકી ન્યાયખાતાના અધિકારીઓ સંમત થયા હતાં પરંતુ હેડલીની શરત માફીની હતી અને તે મુદ્દા પર કરારો થઈ ગયા હતાં.

You might also like