રાત્રે ચાલતાં ખાણી-પીણી બજારોનો હવે સર્વે કરાશે

અમદાવાદ: શહેરનાં રાત્રી ખાણી પીણી બજારો રોગચાળો અને રોકડીનાં ધામ બન્યા હોઇ હવે રહી રહીને મ્યુનિ. તંત્રએ તમામ રાત્રી ખાણી પીણી બજારનો સર્વે કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે.
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બારે માસ લોકોને રાડ પડાવે છે. પાણીજન્ય રોગચાળા માટે પાણી ગટરની લાઇનના લીકેજથી ઉદ્ભવતા દૂષિત પાણીના પ્રશ્નોની સાથે સાથે શહેરભરમાં ઠેર ઠેર મોડી રાત સુધી ધમધમતી ‘ખાઉધરા ગલી’ પણ એટલી જ જવાબદાર છે.

અત્યાર સુધી માણેકચોક, લો ગાર્ડન અને કાંકરિયા જેવા આંગળીને વેઢે ગણાય તેટલાં રાત્રી ખાણી પીણી બજારની માહિતી કોર્પોરેશન પાસે હતી. પરંતુ છેલ્લા દાયકામાં શહેરમાં જનસંખ્યા અને વિસ્તારનો વિસ્ફોટ થયો છે. આવા સંજોગોમાં પણ તંત્ર કુંભકર્ણ નિદ્રામાં હતું. જોકે હવે દાયકા બાદ કોર્પોરેશન હરકતમાં આવશે.

મ્યુનિ. હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સી.આર. ખરસાણ કહે છે, “શહેરના તમામ વિસ્તારોમાં ધમધમતાં રાત્રી ખાણી પીણી બજારનો સર્વે કરાઇને તે સ્થળોએ સ્વચ્છતા જાળવવાની કડક સૂચના અપાશે.”

દરમ્યાન કોર્પોરેશને વીસ કર્મચારીની ટીમનું ગઠન કરી રાત્રી ખાણી પીણી બજારના સર્વેની કામગીરી આરંભી દીધી છે. બે દિવસમાં સર્વેની કામગીરીનો રિપોર્ટ તંત્રને સોંપાશે.

જોકે અડધું ચોમાસુ પતવા આવ્યું છતાં પણ સત્તાવાળાઓ રાત્રી ખાણી પીણી બજારમાંથી વિભિન્ન ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કામગીરીમાં નિષ્ક્રિ‌ય જ છે. કોર્પોરેશનની આ પ્રકારની નિષ્ક્રિ‌યતાથી ભેળસેળખોર ધંધાર્થીઓને ફાવતું જડી ગયું છે અને સરવાળે નાગરિકોનાં આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યાં છે.

You might also like