જૂન સિરીઝની ધમાકેદાર શરૂઆતઃ નિફ્ટીએ ૮૧૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદ: પાછલાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં ૧૧૦૦ પોઇન્ટનો ઉછાળો જોવાઇ ચૂક્યા બાદ આજે જૂન સિરીઝના પ્રથમ દિવસે જ નિફ્ટીમાં ૬૩ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૮૧૦૦ની સપાટી વટાવી ૮૧૩૩ના મથાળે ટ્રેડિંગમાં જોવાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સમાં ૨૦૭ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૨૬,૫૭૧ પોઇન્ટના મથાળે ખૂલ્યો હતો. વિદેશી રોકાણકાર સાથે સ્થાનિક ફંડોની પણ ભારે લેવાલીએ શેરબજારમાં મજબૂત ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે બેન્ક, ફાર્માસ્યુટિકલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં જોરદાર લેવાલી જોવાઇ હતી. સન ફાર્મા કંપનીના શેર્સમાં ૩.૮૯ ટકા, લ્યુપિન કંપનીના શેર્સમાં ૩.૨૯ ટકા, જ્યારે એસબીઆઇ કંપનીના શેર્સમાં ૨.૨૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ ભેલ, ટાટા મોટર્સ અને આઇટીસી કંપનીના શેર્સમાં વેચવાલીએ ૦.૩૬ ટકાથી ૦.૭૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારોના સપોર્ટે સ્થાનિક બજારમાં ઘટાડે ફંડોની લેવાલીએ શેરબજારમાં આગેકૂચ જોવા મળી હતી.

• નીચા ભાવે એફઆઇઆઇ સહિત સ્થાનિક ફંડોની લેવાલી
• રૂપિયો મજબૂત થઈ રહ્યો છે
• વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઉછાળો
• કોર્પોરેટ કંપનીઓના સારા રિઝલ્ટ
• જીએસટી બિલ પસાર થવાનો વધતો આશાવાદ

You might also like