શેરબજારમાં અખાત્રીજઃ નિફ્ટીએ ૯૭ પોઈન્ટના ઉછાળે ૭,૮૩૧ની સપાટી વટાવી

અમદાવાદ: આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૨૯ પોઇન્ટના ઉછાળો ૨૫,૫૭૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૯૭ પોઇન્ટના ઉછાળે ૭,૮૦૦ની ઉપર ૭,૮૩૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે શરૂઆતે ઓટોમોબાઇલ, બેન્ક, કેપિટલ ગુડ્સ સેક્ટરની આગેવાનીએ બજારમાં જોરદાર ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે બેન્ક નિફ્ટીમાં ૦.૫ ટકાનો સુધારો નોંધાયો હતો. મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં પણ મજબૂતાઇ નોંધાઇ હતી.

આજે શરૂઆતે હિંદાલ્કો, એનટીપીસી, આઇટીસી, એચડીએફસી, ટાટા સ્ટીલ અને ઓએનજીસી કંપનીના શેરમાં એક ટકાથી બે ટકાનો ઉછાળો નોંધાતો જોવાયો હતો. તો બીજી બાજુ ડો. રેડ્ડીઝ, વિપ્રો અને ટીસીએસ કંપનીના શેર્સમાં ૦.૨૫ ટકાથી એક ટકાનો ઘટાડો જોવાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વિદેશી બજારોના સપોર્ટે સ્થાનિક બજારમાં જોવા મળેલી લેવાલીના પગલે શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.

You might also like