નિફ્ટીએ ૮,૫૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદ:આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા સુધારાના પગલે આજે સ્થાનિક શેરબજારમાં પણ સુધારાની ચાલ નોંધાઇ હતી. બીએસઇ સેન્સેક્સ ૧૨૦ પોઇન્ટના સુધારે ૨૭,૪૯૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૫ પોઇન્ટના સુધારે ૮,૫૦૦ની સપાટી ક્રોસ કરી ૮,૫૧૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક અને મેટલ સેક્ટરના શેરમાં આગેકૂચ જારી રહી હતી. આજે શરૂઆતે બેન્ક નિફ્ટીમાં ૧૪૭ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૧૯,૧૭૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૧.૮૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે અદાણી પોર્ટ્સ અને એચડીએફસી બેન્કના શેરમાં પણ ૧.૪૦ ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ રિલાયન્સ જિઓના કારણે અન્ય ટેલિકોમ કંપનીઓની મુશ્કેલી વધી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ ભારતી એરટેલ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આ શેરમાં ૩.૧૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસ અને બજાજ ઓટો કંપનીના શેરમાં પણ ૦.૭૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી બજેટમાં સુધારાવાદી પગલાંના આશાવાદે બજારમાં આગેકૂચ જોવા મળી છે.
http://sambhaavnews.com/

You might also like