નિફ્ટી-૫૦ કંપનીઓનો નફો ચોથા ત્રિમાસિક સમયગાળામાં ૧૨ ટકા વધવાનો અંદાજ

અમદાવાદ: નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના ચોથા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામોની મોસમ ચાલુ સપ્તાહથી શરૂ થઇ જશે. ત્યારે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી-૫૦ કંપનીઓના નફામાં ૧૨ ટકા વધારો થવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. કોમોડિટીના ભાવમાં સ્થિરતા તથા નોટબંધી બાદ વપરાશમાં જોવા મળેલી વૃદ્ધિના કારણે આ સુધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં વાર્ષિક ધોરણે આવકમાં ૮.૯ ટકાનો વધારો થવાની શક્યતા છે, જે પાછલા નવ ક્વાર્ટરમાં સૌથી ઊંચી રહી શકે છે. કંપનીઓનો ચોખ્ખો નફો ૧૨.૪ ટકા વધવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે. અગાઉના ક્વાર્ટરમાં ૧૬.૮ ટકા વધારો થયો હતો.

તેઓના જણાવ્યા પ્રમાણે ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના શેરમાં સારો દેખાવ જોવા મળી શકે છે તો બીજી બાજુ સિમેન્ટ કંપનીઓનાં પરિણામોમાં નરમાઇ નોંધાઇ શકે છે. એ જ પ્રમાણે બેન્કોની વધતી જતી એનપીએના પગલે બેન્કોની બેલેન્સશીટ ખરડાઇ શકે છે. એ જ પ્રમાણે ઓટો કંપનીઓનાં અપેક્ષા કરતાં નબળાં વેચાણના કારણે આ કંપનીઓનાં પરિણામ મિશ્ર જોવાઇ શકે છે. એટલું જ નહીં કેપિટલ ગુડ્સ કંપનીઓ સારો દેખાવ કરી શકે છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કન્ઝમ્પશન રિલેટેડ કંપનીઓનાં પરિણામ ઉપર બજારની નજર રહેશે. નોંધનીય છે કે ચાલુ સપ્તાહે ગુરુવારે આઇટી સેક્ટરની અગ્રણી ઇન્ફોસિસ કંપનીનું જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક સમયગાળું પરિણામ જાહેર થશે.

http://sambhaavnews.com/

You might also like