નિકોલમાં ઝઘડાની અદાવતમાં ચાર શખસોએ યુવક પર હુમલો કર્યો

અમદાવાદ: શહેરમાં જાણે ગુંડારાજ ચાલી રહ્યું હોય તેમ હવે અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. ખુલ્લેઆમ ઘાતક હથિયારો લઇ લોકો પર હુમલાના બનાવો વધી રહ્યાં છે. શહેરનાં નિકોલ વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી ચાર શખસોએ યુવકની ઓફિસમાં ઘૂસી જઇ તોડફોડ કરી યુવકને ઢોર માર માર્યો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરોડા વિસ્તારમાં આવેલા સહજાનંદ વિભાગ રમાં ધમેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઓલ રહે છે.
ધમેન્દ્રસિંહ નિકોલ ખાતે આવેલા કૃષ્ણ વિહાર કોમ્પ્લેક્સમાં પોતાની ઓફિસ ધરાવે છે. નવા નરોડા વિસ્તારમાં આવેલી વેણુગોપાલ સોસાયટીમાં રહેતાં મેહુલ બારોટ, કૃણાલ બારોટ, પિન્ટુ અને ભાવેશ નામના શખસો મોડી રાત્રે ઘાતક હથિયારો સાથે ધમેન્દ્રસિંહની ઓફિસે ધસી આવ્યા હતા અને અગાઉના ઝઘડાની અદાવત રાખી ‌ઓફિસમાં ઘૂસી જઇ તોડફોડ મચાવી હતી. ચારેય શખસોએ ભેગા મળી ધમેન્દ્રસિંહને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ અંગે ધમેન્દ્રસિંહે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like