નિકોલ બાદ હવે ઇસનપુરમાં મોટા ડિમોલિશનની તૈયારી

અમદાવાદ: છેલ્લે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિકોલ ગામ રોડ ખાતે મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી દરમિયાન ચાર હતભાગી વ્યકિતઓનાં મોત થવાથી સમગ્ર ડિમોલિશને ભારે ચકચાર સર્જી હતી. હવે કોર્પોરેશન ઇસનપુરમાં મોટું ડિમોલિશન હાથ ધરવાનું છે. ઇસનપુરના મામલે જબ્બર વાદ-વિવાદ ઊભા થયા છે.
નિકોલ રોડ ડિમોલિશન દરમિયાન દીવાલ ધરાશાયી થવાથી તેના કાટમાળ નીચે ચાર વેપારી કચડાઇ ગયા હતા. જ્યારે એક યુવક ઘાયલ થયો હતો.
ગત તા.૧ર એપ્રિલે ઘટિત નિકોલકાંડે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ હવે તંત્ર ઇસનપુર વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવા જઇ રહ્યું છે.
ઇસનપુર બ્રિજથી ગોવિંદવાડીના ૮૦ ફૂટના ટીપી રોડને પહોળો કરવા માટે સત્તાવાળાઓએ ૧પ૦થી વધુ મિલકતોને નોટિસ ફટકારી છે. જેમાં મોટા ભાગની દુુકાનો છે. એક અઠવાડિયા અગાઉ નોટિસ અપાઇ હોવાનું દ‌િક્ષણ ઝોનના એસ્ટેટ અધિકારી રાજેન્દ્ર જાધવ જણાવે છે.
દરમિયાન આ રોડના દબાણને યથાવત રાખવા સ્થાનિક ધારાસભ્ય દ્વારા કોર્પોરેશન પર ‘પ્રેશર ટેકનિક’ અપનાવાતી હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. છેક ઇસનપુર ઓવરબ્રિજના ઉદ્ઘાટન સમયથી આ રોડ લાઇન ચર્ચાસ્પદ છે.
અગાઉ પણ તંત્રે રોડ પરનાં દબાણ હટાવવાની કવાયત હાથ ધરી હતી, પરંતુ રાજકીય પ્રેશરથી પીછેહઠ કરાઇ હતી. સ્થાનિક લોકો તો લાંબા સમયથી રોડ ખુલ્લો થાય તેમ ઇચ્છે છે, પરંતુ એક અથવા બીજા કારણસર દબાણ હટાવી શકાતા ન હોઇ આ વખતે પણ ‘ભારે ગરમી’નું કારણ આગળ ધરીને ફરીથી મામલો ટલ્લે ચઢશે તેમ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

You might also like