પુલવામા હુમલો: FBI સાથે મળીને આતંકીના ષડ્યંત્રને ‘ડિકોડ’ કરી રહી છે NIA

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મોટું પગલું ભર્યું છે. આનઆઈએ આ આતંકી હુમલાની તપાસમાં અમેરિકાની ટોચની તપાસ એજન્સી એફબીઆઈની મદદ લઈ રહી છે.

એનઆઈએનાં સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઈની મદદથી એનઆઈએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા નવી રીતે કરવામાં આવેલા ચેટિંગ એપના ઉપયોગ અને તેના કન્ટેન્ટની તપાસમાં લાગી ગઈ છે. એનઆઈએને જાણવા મળ્યું છે કે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ મુદ્દસ્સિર નવી નવી ચેટિંગ એપ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓના સંપર્કમાં હતો.

મુદ્દસ્સિરને પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં હુમલા કરવાના આદેશો મળી રહ્યા હતા. તેની પાકિસ્તાન સાથેની સીધી લિન્કની જાણકારી અને પૂરતા પુરાવા પણ એનઆઈએ પાસે આવી ગયા છે. આ આધારે જ હવે એનઆઈએ અમેરિકન એજન્સી એફબીઆઈની મદદથી ચેટિંગ એપના કન્ટેન્ટને ડિકોડ કરી રહી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે જૈશના માર્યા ગયેલા આતંકી મુદ્દસ્સિર સાથે સંકળાયેલા અડધો ડઝન આતંકીઓ એજન્સીના રડાર પર છે. આ તમામે સાથે મળીનો પુલવામા હુમલાને અંજામ આપ્યો હતો. એનઆઈએને આશંકા છે કે જૈશના આતંકી મુદ્દસ્સિરે બીજા અનેક ફિદાયીન આતંકીઓ તૈયાર કર્યા છે, જે હજુ પણ કાશ્મીર માટે ખતરારૂપ છે.

પુલવામા હુમલામાં એનઆઈએને જમ્મુના ઝઝર કોટલીથી પકડવામાં આવેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર (ઓજીડબલ્યુ) પાસેથી કેટલીક અગત્યની જાણકારી મળી છે.

You might also like