કૈરાનામાંથી હિજરતનું સ્વરૂપ કોમવાદી ન હતુંઃ NHRC

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાનામાં હિન્દુઓની હિજરતના આક્ષેપ પર રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી)એ પોતાનો અહેવાલ સુપરત કરી દીધો છે. જોકે અહીંના નિવાસીઓ સાથે વાત કરવા પર કંઈક અલગ જ ચિત્ર બહાર આવે છે. જુલાઈ-ઓગસ્ટમાં હિન્દુઓની હિજરતના દાવાની તપાસ કરવા માટે માનવ અધિકાર પંચની ટીમ કૈરાના ગઈ હતી. આ ટીમના અહેવાલ અનુસાર કૈરાના અને મુઝફ્ફરનગરનો પ્રવાસ કરનાર ટીમના સભ્યોએ જણાવ્યું છે કે કૈરાનામાંથી હિજરતનું સ્વરૂપ કોમવાદી ન હતું. ટીમના સભ્યોએ જણાવ્યું છે કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ અન્ય સ્થળોએ ધંધા-રોજગારની સારી તક મેળવવા માટે કૈરાના છોડ્યું હતું. લોકોએ કોઈ ચોક્કસ કોમના ડરથી હિજરત કરી ન હતી.

માનવ અધિકાર પંચની ટીમનું કહેવું હતું કે વધતા જતા અપરાધો અને વણસતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને કેટલાય પરિવારોએ હિજરત કરી હતી. પંચે એવો દાવો કર્યો છે કે મુસ્લિમ યુવકોએ કૈરાનામાં હિન્દુ છોકરીઓની છેડતી કરી હતી કે તેના કારણે તેઓ ઘરમાંથી બહાર નીકળતાં પણ ડરતા હતા. રમખાણગ્રસ્ત ૨૯,૩૦૦ લોકો મુઝફ્ફરનગર અને શામલીમાં પથરાયેલી ૬૫ કોલોનીઓમાં રહે છે, તેમાં ૯૦ ટકા નજીકના ટાઉનથી ૧૫-૨૦ કિ.મી. દૂર વસેલા છે, જ્યાં એનએચઆરસીના રિપોર્ટમાં જણાવ્યું છે કે હિન્દુ છોકરીઓની છેડતી થઈ હતી.

You might also like