Categories: Gujarat

એનજીઓ  સેવાનો અર્થ કે સ્વાર્થ ?

“વિકાસ એ કરચોરીની વ્યૂહરચના છે. જો તમે લોકોને તેમની જમીનમાં સુધારો નથી આપી શકતા, તો તેમને હાઈબ્રીડ ગાયો આપો. બાળકોના ભણતરનો ખર્ચ પરવડતો ન હોય તો બિનઔપચારિક શિક્ષણ અજમાવો. જો તમે લોકોને પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓ નથી આપી શકતા તો પછી સ્વાસ્થ્ય વીમાની વાત કરો. યુવાનોને રોજગારી ન આપી શકતા હોવ તો ચિંતાની બાબત નથી, તમારાં કામોને રોજગારીની તકોના નિર્માણ સાથે સરખાવો. બાળકોને બાળમજૂર તરીકે નથી સ્વીકારી શકતા તો બાળમજૂરીની પરિસ્થિતિમાં સુધારાના કાર્યક્રમની વાત કરો. આવું બધું સાંભળવાની ઘણી મજા આવે છે, ઉપરાંત તમે તેમાંથી પૈસા પણ કમાઈ શકો છો.”

ગ્રામીણ અર્થતંત્રના નિષ્ણાત અને જાણીતા પત્રકાર પી. સાઈનાથનું આ વાક્ય સેવાકીય પ્રવૃત્તિઓ પર સીધું નિશાન તાકે છે. એનજીઓ (નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન) હવે સામાન્ય લોકોમાં પણ જાણીતું નામ બન્યું છે. નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન, નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન, સિવિલ સર્વિસ ઓર્ગેનાઈઝેશન કે થર્ડ સેક્ટર ઓર્ગેનાઈઝેશન તરીકે આવી સંસ્થાઓને ઓળખવામાં આવે છે. આવી સંસ્થાઓનું મુખ્ય કામ વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ આદરીને લાભાર્થી વર્ગને મદદરૂપ થવાનું છે.

સેવાકીય પ્રવૃત્તિઓ માટે આવી સંસ્થાઓ જુદાં જુદાં સ્થળોએથી, વિવિધ સેક્ટરમાંથી અને નાનીમોટી કંપનીઓ પાસેથી અનુદાન મેળવતી હોય છે. એનજીઓ એક્ટ મુજબ કેટલીક મોટી સંસ્થાઓ વિદેશી ભંડોળ પણ મેળવી શકે છે. જોકે છેલ્લા થોડાક સમયથી વિદેશી ભંડોળ મેળવતી કેટલીક એનજીઓના હેતુઓ પર પ્રશ્નાર્થ સર્જાયા છે. આવી એનજીઓનાં કાર્યો અંગે સરકારને ગંધ આવતા વિદેશી ભંડોળ મેળવતી એનજીઓ પર સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે અને એફસીઆરએ (ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ)ના કાયદામાં પણ કેટલાંક સુધારા નિશ્ચિત કર્યા છે.

એનજીઓની વ્યાખ્યા
ધ વર્લ્ડ બેન્કની વ્યાખ્યા અનુસાર રાહત કામગીરી કરનારી, ગરીબોનાં હિતોનો પ્રચાર કરનારી, પર્યાવરણનું રક્ષણ કરનારી, પાયાની સામાજિક સેવાઓનું વહન કરનારી અને સામાજિક વિકાસની કામગીરી સંભાળનારી ખાનગી સંસ્થાઓને એનજીઓ ગણી શકાય. એનજીઓ પર વર્લ્ડ બેન્કના મુખ્ય દસ્તાવેજ વર્કિંગ વિથ એનજીઓમાં વધુ સ્પષ્ટતા કરતા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બિનસરકારી અને નફાના ધોરણે કામ ન કરતી હોય તેવી સંસ્થાઓને એનજીઓ ગણી શકાય.

શું છે કાયદાનો ઇતિહાસ?
વર્ષ ૧૯૭૫માં તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી, આ સમયગાળા દરમિયાન એફઆરસીએ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યસભામાં ખરડાની રજૂઆત દરમિયાન અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ (સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી) અને શસ્ત્રોનું ઉત્પાદન કરતી અમેરિકન કંપનીઓના નામનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, કારણ કે તે સમયે ચાલી રહેલા શીતયુદ્ધ દરમિયાન અમેરિકા વિશ્વના મહત્તમ દેશોને હથિયારો વેચવા માગતું હતું. આ વેચાણના સોદા માટે અમેરિકા આવા તમામ દેશોમાં યેનકેન પ્રકારેણ નાણાભંડોળ ઠાલવી રહ્યું હોવાની શંકાએ તેમજ અન્ય ભયસ્થાનોને નજરમાં રાખીને ખરડો પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૦માં ફરી આ કાયદામાં સુધારો લાગુ કરવા સંસદમાં મત લેવામાં આવ્યા. આ સુધારાઓ પર અભ્યાસ કરનાર સમિતિના વડા તત્કાલીન વિપક્ષ નેતા સુષમા સ્વરાજ હોવા છતાં આ સુધારાઓ લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાયદાને ગંભીરતાથી લેવાનું કારણ હતી દેશમાં કાર્યરત સંખ્યાબંધ એનજીઓ એટલે કે નોન-ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન્સ. કેટલીક એનજીઓ સરકારની શંકા હેઠળ હતી, વિદેશમાંથી આવતા નાણાભંડોળનો સરકારની નીતિઓ અને યોજનાઓના વિરોધમાં ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કેટલીક એનજીઓ પર કરવામાંં આવ્યો હતો.

નોંધણીની પ્રક્રિયામાં ખરી ન ઊતરી
બાદમાં વર્ષ ૨૦૧૧માં ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન રૂલ (એફસીઆરઆર) લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાઓ અન્વયે વિદેશી ભંડોળના પુરાવાઓ, તેના ખર્ચની વિગતો, ખર્ચની તપાસ થઈ શકે તે માટેની સત્તા વગેરે બાબતોની જોગવાઈ કરવામાં આવી હતી. આ નિયમોની દરકાર ન કરનારી એનજીઓને સસ્પેન્ડ અને રદ કરવાની સત્તા પણ સરકારે પોતાની પાસે રાખી હતી. આટલા નિર્દેશો છતાં પણ સતત ત્રણ વર્ષ સુધી વાર્ષિક રિટર્ન ફાઈલ ન કરવા બદલ વર્ષ ૨૦૧૪માં ૧૦,૩૪૩ એનજીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. બાદમાં વર્ષ ૨૦૧૫ના માર્ચ મહિનામાં ૧૦,૧૧૭ એનજીઓની નોંધણી રદ કરવામાં આવી હતી. સરકારે પૂરતી તકો આપી હોવા છતાં આ સંસ્થાઓ તેમની નોંધણીની પ્રક્રિયામાં ખરી નહોતી ઊતરી શકી. કેટલીક સંસ્થાઓની કામગીરી પર શંકાના આધારે સ્ક્રુટિની અને તપાસ બાદ ૧૫ કેસ સીબીઆઈને અને ૧૦ કેસ જે-તે રાજ્યની પોલીસને સોંપવામાં આવ્યા હતા.

જૂન, ૨૦૧૫માં નવો ડ્રાફ્ટ તૈયાર કરાયો
જૂન, ૨૦૧૫માં એફઆરસીએનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સરકારે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે વિદેશી ભંડોળ મેળવવાની અરજી કરનાર એનજીઓએ બાંહેધરી આપવી પડશે કે વિદેશમાંથી મળનારા ભંડોળનોે ઉપયોગ રાષ્ટ્રીય હિતો માટે હાનિકારક હોય તેવાં કામ, નાગરિકો પ્રત્યે પૂર્વગ્રહ સ્થાપિત કરનારાં કામો તેમજ દેશની સુરક્ષાનીતિઓ, વ્યૂહરચનાઓ અને અર્થતંત્ર પર વિપરીત અસરો કરી શકે તેવાં કાર્યોમાં કરી નહીં શકાય.

પીઆરએસનો મુુદ્દો ગંભીર રહ્યો
પીઆરએસ (પાર્લામેન્ટરી રિસર્ચ સર્વિસીઝ) નામની એનજીઓ સાંસદોને સંશોધન કાર્યો કરી આપે છે. સંસદના બંનેગૃહના સાંસદને તેમની કામગીરીમાં મદદરૂપ થાય તેવાં અહેવાલો અને સંશોધનો તૈયાર કરી આપવાનો આ સંસ્થાનો હેતુ છે. રાજ્યોની વિધાનસભાના સભ્યોને પણ આ સંસ્થા મદદરૂપ થાય છે.

મુદ્દાની વાત એ છે કે આ સંસ્થાને વર્ષ ૨૦૧૦માં અમેરિકાના ફોર્ડ ફાઉન્ડેશનમાંથી નાણાભંડોળ મળી રહ્યું હતું. બાદમાં તેને ગૂગલ ઓર્ગેનાઈઝેશન તરફથી નાણાભંડોળ મળવા લાગ્યું હતું. સાંસદોમાં પણ આ સંસ્થા સારી એવી જાણીતી હતી, તેથી જ કેટલાક સાંસદોેએ પીઆરએસને મળતા વિદેશી નાણાભંડોળ પર અંકુશો મૂકતા નિયમનો વ્યક્તિગત ધોરણે  વિરોધ કર્યો હતો.

તીસ્તાની સંસ્થા ભીંસમાં
ગત બે ડિસેેમ્બરે ગુજરાત પોલીસે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદ વિરુદ્ધ પોલીસને ભંડોળનો અંગત ઉપયોગ કરવાના પુરાવાઓ મળ્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલાં રમખાણોના અસરગ્રસ્તોની રાહત કામગીરી માટે તીસ્તાના એનજીઓ સબરંગને દાનપેટેે રૂપિયા ૯.૭૫ કરોડ મળ્યા હતા, જેમાંથી રૂપિયા ૩.૮૫ કરોડનો ઉપયોગ આ દંપતીએ અંગત ખર્ચ માટે કર્યો હોવાનો આરોપ  છે. સેન્ટર ફોર પીસ એન્ડ જસ્ટિસ નામનું અન્ય એક ટ્રસ્ટ પણ આ દંપતીના વડપણ હેઠળ કાર્યરત છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોમાં પીડિતોની દુર્દશા અને બનેલા ભયાનક બનાવોની વાતો તીસ્તાની સંસ્થા બહાર લાવી હતી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી ભયાનક અને પક્ષપાતી છે તે વાતોનો પ્રચાર પણ આ સંસ્થાએ જ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે આ દંપતીની આગોતરા જામીનઅરજી રદ કરતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં સુપ્રીમે ગુજરાત પોલીસને દંપતીની અરજી કરવાની ના કહી હતી અને વધુ સચોટ પુરાવા સાથે હાજર થવા કહ્યું હતું. બીજી તરફ સુપ્રીમ સિવાય આ દંપતીએ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનમાં અરજી કરી છે કે તેમને હેરાનગતિ કરવા અને અને તેમના કામનો દુષ્પ્રચાર કરવાના હેતુથી ગુજરાત પોલીસે આ કેસ હાથમાં લીધો છે. જેથી ગુજરાત પોલીસે ડિસેમ્બર માસની શરૂઆતમાં જ વધુ પુરાવાઓ સાથે સુપ્રીમમાં રજૂઆત કરી છે.

પોલીસ દ્વારા જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તેમાં દાવો છે કે સબરંગ ટ્રસ્ટનાં બેન્ક ખાતાં જ્યારે સ્થગિત કરવામાં આવ્યાં ત્યારે તેમણે સબરંગના બે બેન્ક ખાતાંઓમાંથી તાત્કાલિક રૂપિયા ૨૪,૫૦,૦૦૦ અને રૂપિયા ૧૧,૫૦,૦૦૦ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા એક જ દિવસમાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસતપાસની વિગતો અનુસાર વર્ષ ૨૦૦૭ સુધી સબરંગ અને સેન્ટર ફોર પીસ એન્ડ જસ્ટિસનાં ખાતાંઓમાં ઓછી રકમ જ જોવા મળતી હતી. ૨૦૦૭ બાદ જ્યારે આ દંપતીએ વિવિધ ઈન્ટરવ્યૂ, ન્યૂઝલેટર્સ અને વેબસાઈટ દ્વારા લોકોને અપીલ કરી કે રમખાણ પીડિતોના પુનર્વસન અને રાહત કામગીરી માટે તેમને નાણાભંડોળની તાતી જરૂરિયાત છે, જેમાં તેણે રમખાણોની વાતો પણ ફરીથી વિશ્વ સમક્ષ મૂકી. ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમના નિર્માણ માટે પણ તેમને દાનની જરૂરિયાત છે તેવી વાતો આ સંસ્થાઓ દ્વારા વહેતી મૂકવામાં આવી હતી. બાદમાં સમગ્ર વિશ્વમાંથી અઢળક રકમનું દાન આ સંસ્થાઓનાં બેન્ક ખાતાંઓમાં જમા થવા લાગ્યું હતું.

ગુલબર્ગ સોસાયટી રહેવાસીઓનો પણ આરોપ છે કે તેમના પુનર્વસન માટે વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી સબરંગને રૂપિયા ૮૮ લાખ અને સેન્ટર ફોર પીસ એન્ડ જસ્ટિસને રૂપિયા ૬૩ લાખનું દાન મળ્યું હતું, પરંતુ તેમાંંનું કંઈ પણ હજુ સુધી પીડિતોને પહોંચતું કરવામાં નથી આવ્યું. આ તમામ આરોપસર આ ટ્રસ્ટનું એફઆરસીએ લાયસન્સ રદ કરી તીસ્તા સેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

તીસ્તાનો દાવો હતો કે જાણીતા વકીલો રમખાણ પીડિતોના કેસ કોઈ ફી લીધા વગર લડી આપે છે. બીજી તરફ પોલીસનો દાવો છે કે જુદાજુદા વકીલોને રૂપિયા ૭૧,૪૧,૦૦ની રકમ ફી પેટે ચૂકવવામાં આવી છે. આ કેસની તપાસ કરનારા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રાહુલ પટેલનું કહેવું છે કે આ દંપતીએ તપાસમાં જરૂરી સહયોગ પણ નથી આપ્યો.

બુદ્ધિજીવીઓનો એનજીઓ સાથે ઘરોબો
સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરતા બુદ્ધિજીવીઓ પણ જાણીતી એનજીઓમાં કાર્યરત હોય છે અથવા તેની સાથે સારા સંબંધો ધરાવતા હોય છે. વિદેશી ભંડોળ મેળવતા મોટાભાગના બુદ્ધિજીવીઓ કોઈ ને કોઈ પર્યાવરણીય સંસ્થા સાથે જોડાયેલા હોય છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ (આઈસીઆરઆઈઈઆર), આ સંસ્થા ઘણીબધી ખ્યાતનામ વિદેશી સંસ્થાઓ તરફથી નાણાભંડોળ મેળવે છે. હાલ જેને નીતિ આયોગ નામ અપાયું છે તે આયોજનપંચના એક સમયના વાઈસ ચેરમેન અને કોંગ્રેસ સાથે ઘરોબો ધરાવતા મોન્ટેકસિંગ અહલુવાલિયાનાં પત્ની ઈશર જજ અહલુવાલિયા આ સંસ્થાનાં વડા છે. તેમના સિવાય ઘણાં જાણીતા અર્થશાસ્ત્રીઓ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે. સરકારના આર્થિક નીતિને લગતા મહત્ત્વના નિર્ણયો સમયે આ સંસ્થાની દખલગીરી જોવા મળે છે.

૨૦૧૨માં જ્યારે સંસદમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) મામલે મત લેવામાં આવ્યા ત્યારે આ મતદાનના આગલા દિવસે આઈસીઆરઆઈઆરે દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં સાંસદોની એક બેઠક બોલાવી હતી, જેમાં પ્રોફેસર અર્પિતા મુખર્જીએ એફડીઆઈના વિવિધ ફાયદાઓ વિશે સાંસદોને જાણકારી આપી હતી.

ભારતમાં પર્યાવરણ બીજો એવો એક મહત્ત્વનો વિષય છે, જેમાં વિદેશી ભંડોળ મેળવતા બૌદ્ધિકોના વિવિધ નિર્ણયોમાં તેમનું પ્રભુત્વ અચૂક જોવા મળે છે. આ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (સીએસઈ)નું નામ મોખરે છે. સામાજિક કાર્યકર ઈલા ભટ્ટ અને ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉ. એમ.એસ. સ્વામીનાથન આ સંસ્થાના કાર્યકારિણીઓમાંનાં એક છે.

યોજનાઓમાં અડચણનો આક્ષેપ
બંધ, પાવર પ્રોજેક્ટ, મોટાં કારખાનાં કે રિફાઈનરીનું નિર્માણ જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્માણ જ્યારે શરૂ થાય ત્યારે કોઈ ને કોઈ એનજીઓ આ યોજના સામે વિરોધ નોંધાવતી હોય છે. જમીન ફાળવણી, વિસ્થાપિતોનું પુનઃવસન, પર્યાવરણીય અસરો તેમજ સ્થાનિકોને મળનારી રોજગારી વગેરે જેવા મુદ્દાઓને લઈને આ એનજીઓ પોતાનો પક્ષ રાખતી હોય છે, જે વાજબી કહી શકાય. કેટલાંક કિસ્સાઓમાં આ વિરોધ પર પણ શંકાઓના પ્રશ્નો ઊઠતા હોય છે. જેમાં સૌથી પહેલુંં ઉદાહરણ ગુજરાતના નર્મદા પ્રોજેક્ટનું છે. આ પ્રોજેક્ટના વિકાસની ધીમી ગતિ કેટલાંક એનજીઓને જ આભારી છે.

બેન્કોને પણ આદેશો અપાયા
જે બેન્ક ખાતાંઓ દ્વારા એનજીઓ વિદેશી ભંડોળ મેળવે છે તે બેન્કોને પણ સરકાર તરફથી કેટલાક આદેશ આપવામાં આવ્યા છે. એનજીઓને મળનારાં વિદેશી ભંડોળ અને તેના ઉપયોગની માહિતી જે-તે બેન્કે ૪૮ કલાકની અંદર સરકારને આપવાની રહેશે. એફઆરસીએની પરવાનગી ન હોય તેવા એનજીઓનાં  ખાતાંમાં વિદેશી ભંડોળ આવે તો તેના ૩૦ દિવસની અંદર જે-તે બેન્કે સરકારને જાણ કરવાની રહેશે. ખર્ચના વિવિધ પુરાવાઓ અને આપેલા પુરાવાઓ સાચા છે તેવી બાંહેધરી બેન્કે એનજીઓ પાસેથી મેળવવાની રહેશે. કોઈ એનજીઓ રૂપિયા એક કરોડથી વધારેનું ભંડોળ મેળવે તો તેની વિગતો બેન્કે ૩૦ દિવસની અંદરે સરકારને પહોંચાડવી.

સરકાર કેમ આકરા પાણીએ?
વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ પછીના સમયગાળામાં અને નર્મદા આંદોલન દરમિયાન ઘણી એનજીઓએ ગુજરાતમાં ડેરાતંબુ નાખ્યા હતા. આ સંસ્થાઓના વિરોધ પ્રમાણે તત્કાલીન રાજ્ય સરકારો અને નેતાઓએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કદાચ તેના કારણે જ વર્ષ ૨૦૧૪ના મે મહિનામાં એનડીએના નેતૃત્વની સરકાર આવતા જ પ્રાથમિકતા અપાયેલા  મહત્ત્વનાં કામોમાંથી એક કામ વિદેશી ભંડોળ મેળવતી એનજીઓ પર અંકુશ રાખવાનું હતું.

કેન્દ્રમાં એનડીએની સરકાર આવતા જ વિદેશી ભંડોળ મેળવતી એનજીઓ પર અંકુશ રાખવાની હિલચાલ શરૂ થઈ હતી. જેમાંં ગ્રીન પીસ ફાઉન્ડેશનનાં બેન્ક ખાતાં સ્થાયી કરવા માટે સરકારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. બાદમાં તીસ્તા સેતલવાડની એનજીઓ સબરંગ દ્વારા ફોર્ડ ફાઉન્ડેશન તરફથી મળેલાં ભંડોળ મામલે સીબાઆઈ તપાસની માગ કરી હતી. ઉપરાંત વર્ષ ૨૦૧૪માં જરૂરી વાર્ષિક રિટર્ન અને દસ્તાવેજો રજૂ ન કરવા બદલ અથવા તો મોડા રજૂ કરવા બદલ ૩૪૧ સંસ્થાઓને કુલ રૂપિયા ૫ાંચ કરોડથી પણ વધુ રકમનો દંડ કરવામાં આવ્યો હતો અને એફઆરસીએ હેઠળ નોંધણી અને પરવાનગી વગર વિદેશી ભંડોળ મેળવવા અને ખર્ચવા બદલ ૨૪ સંસ્થાઓને કુલ રૂપિયા ૫૨ લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

આ અંગે જાણીતા વકીલ અને કાયદા નિષ્ણાત ગિરીશ પટેલ કહે છે કે, “તમામ એનજીઓ વિદેશી ભંડોળનો ઉપયોગ દેશહિત વિરુદ્ધનાં કામ માટે જ કરે છે તેવું જરા પણ સાચું નથી. વિદેશી ભંડોળથી સામાજિક અને આર્થિક કામો થાય છે, ઉપરાંત ક્યારેક રાજકીય ચળવળ પણ થાય છે. આ ચળવળો અને રાજકીય કામો ન થઈ શકે તે હેતુથી સરકાર આ કાયદાને વધુ કડક બનાવી રહી હોવાનું મારું માનવું છે. ઘણી વાર દેશમાંથી પૂરતું નાણાભંડોળ ન મળે તો વિદેશી સંસ્થાઓ પર પણ આધાર રાખવો પડે છે. ઝૂંપડપટ્ટીમાં કામ કરતો કોઈ સામાજિક કાર્યકર તે વિસ્તારમાં શિક્ષણ આપશે, કામો કરશે કે કોઈ વસ્તુ વહેંચશે ત્યાં સુધી તેની છાપ સારી રહેશે પરંતુ જ્યારે તે ઝૂંપડપટ્ટીમાં આટલી ગરીબી શા માટે છે અને ત્યાંના લોકોના હક માટે અવાજ ઉઠાવશે તો તે વ્યક્તિ સરકારની નજરમાં અળખામણી થઈ જશે.”

નાનીમોટી સેવાકીય પ્રવૃત્તિઓ માટે એનજીઓનું યોગદાન અત્યંત સરાહનીય હોય છે. જોકે આવક અને મહત્ત્વાકાંક્ષાને કારણે એનજીઓનો ધ્યેય બદલાય એ સરકાર સાથે સમાજ માટે પણ નુકસાનકારક છે. દેશહિતને નેવે મૂકીને થઈ રહેલાં કાર્યો અંગે સરકારે એનજીઓ સામે લાલ આંખ કરવી પડે તે આવશ્યક છે.

નવસર્જન પર પણ ઊઠ્યા સવાલ!
સરકારની નીતિઓમાં અને યોજનાઓમાં અડચણો ઊભી કરવાનાં આક્ષેપ ઉપરાંત પ્રલોભનો આપી વટાળપ્રવૃત્તિ કરવાનો આરોપ પણ કેટલીક એનજીઓ પર છે. ગુજરાતની નવસર્જન સંસ્થા ઘણા સમયથી વિવાદોમાં છે. દલિતો, પીડિતો માટે કામ કરતી આ સંસ્થા પર વિદેશથી આવેલા ભંડોળની ઉચાપત કરવાનો આરોપ છે. આ સંસ્થાને ફોર્ડ ફાઉન્ડેશન. ક્રિશ્ચિયન એઈ., મિશેરિયર જેવી સંસ્થાઓ તરફથી વિદેશી ભંડોળ મળે છે.

રાજ્યના દરેક જિલ્લામાંં આ સંસ્થાના ફિલ્ડવર્કરો સામાજિક ન્યાય અને સમાનતાના હેતુથી વિવિધ કામગીરી કરે છે. અમરેલી જિલ્લાના કેટલાક ફિલ્ડવર્કરો માટે સ્વિટ્ઝર્લેન્ડથી આવેલા ભંડોળની ઉચાપત કરાઈ હોવાનો આક્ષેપ આ સંસ્થા પર છે. અમરેલી જિલ્લાની દલિત અધિકાર લડત સમિતિના કન્વીનર ધીરુભાઈ સોલંકી અને એડવોકેટ રવજીભાઈ માધડે કરી છે. સ્વિટ્ઝર્લેન્ડની સ્વીચ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ સંસ્થાને રૂ.૩૦ કરોડ મળ્યા હતા જેમાંથી દરેક ફિલ્ડવર્કરને રૂપિયા દોઢ લાખ ફાળવાયા હતા.

તે સમયે આ સંસ્થાએ એવી વાત કરી હતી કે દરેક કાર્યકરને આ રકમ ચૂકવવાને બદલે તેના વાર્ષિક વ્યાજ પેટે રૂપિયા ૧૭,૦૦૦ શિક્ષણ સહાય તરીકે અથવા તો કાર્યકરો નોકરીમાંથી છૂટા થાય ત્યારે આપવાનાં હતા. કાર્યકરોને આ રકમ ન ચૂકવાઈ હોવાનો આક્ષેપ નવસર્જન પર કરાયો છે.  કાર્યકરોએ રાજ્યના ગૃહપ્રધાન અને સામાજિક ન્યાય પ્રધાન સમક્ષ રજૂઆત કરી છે. નવસર્જનના હોદ્દેદારોનો સાથે આ અંગે સંપર્ક કરવા પ્રયાસ કરાયો, તેમણે આ વિવાદ અને એફસીઆરએ મુદ્દે કંઈ પ્રતિક્રિયા આપી નહોતી.

ફોર્ડ ફાઉન્ડેશન ને ગ્રીન પીસની ભૂમિકા શંકાસ્પદ ?
કુડનકુલમ પ્રોજેક્ટનો આકરો વિરોધ કરનારી મોટાભાગની એનજીઓને અમેરિકાના ફોર્ડ ફાઉન્ડેશનનો સહયોગ હતો, તો બીજી તરફ આ પ્રોજેક્ટ ભારત અને રશિયાની સહિયારી ભાગીદારીથી આકાર લેવાનો હતો. આંતરરાષ્ટ્રીય સંબંધોની દૃષ્ટિએ આ વિરોધને શંકાની દૃષ્ટિએ જોવાઈ રહ્યો હતો. ફોર્ડ ફાઉન્ડેશન અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના હાથા તરીકે કામ કરતું હોવાના આક્ષેપો તેના પર દરેક દાયકામાં થતા આવ્યા છે. ભારત જેવા ત્રીજા વિશ્વના દેશોના સામાજિક કાર્યકરો, એનજીઓ, બુદ્ધિજીવીઓ, પત્રકારો, સંશોધકો, મહિલા સંગઠનોને દાન આપવા માટે આ સંસ્થા જાણીતી છે. વર્ષ ૨૦૧૫ના એપ્રિલ મહિનામાં ભારત સરકારના ગૃહ મંત્રાલયે ગ્રીન પીસની નોંધણી રદ કરી હતી અને ફોર્ડ ફાઉન્ડેશનની કામગીરી પર દેખરેખની સૂચના આપી હતી.

રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપી ગૃહ મંત્રાલયે આદેશ આપ્યા હતા કે ફોર્ડ ફાઉન્ડેશનને મળનારું ભંડોળ મંત્રાલયની પરવાનગી બાદ જ રિલીઝ થશે. ફોર્ડ ફાઉન્ડેશન અને ગ્રીન પીસ જેવી સંસ્થાઓનાં ભંડોળનો ઉપયોગ ભારતમાં વિવિધ સમાજો વચ્ચે અરાજકતા ફેલાવવા માટે કરાઈ રહ્યો હોવાના કારણે સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો. જોકે આ પ્રકારનાં પગલાં અમેરિકા અને ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો પર વિપરીત અસર કરી શકે તેમ હોવાથી આ બાબતે ભારત સરકારે બાદમાં નરમ વલણ અપનાવ્યું હતું

આંતરરાષ્ટ્રીય સ્તરે શું હાલત છે?
બીજા વિશ્વયુદ્ધના અંત બાદ આંતરરાષ્ટ્રીય સંબંધોની વ્યાખ્યાઓ બદલાવા માંડી હતી. આ સમયગાળામાં એનજીઓ કે સિવિલ સર્વિસ ઓર્ગેનાઈઝેશન્સનું પ્રભુત્વ વધવા લાગ્યું હતું. આજે પણ ફોર્ડ ફાઉન્ડેશન, એમનેસ્ટી ઈન્ટરનેશનલ, ગ્રીન પીસ અને સાસાકાવા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ વૈશ્વિક રાજકારણમાં સારી એવી અસર ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી એનજીઓને ઈન્ટરનેશનલ એનજીઓ તરીકે ઓળખવામાંં આવે છે. આ પ્રકારની એનજીઓ મોટાભાગે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. આ દેશોમાં તકો અને સુવિધાઓનું પ્રમાણ ઓછું હોવાથી ત્યાં સ્વાસ્થ્ય, પર્યાવરણ, માનવ અધિકાર, શિક્ષણ, મહિલા-બાલ કલ્યાણ અને અન્ય સામાજિક સુધારણાના હેતુથી નાણાભંડોળ પહોંચાડવામાં આવે છે.

વિકાસશીલ કે અવિકસિત કહી શકાય તેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય એનજીઓ વધુ કાર્યરત હોય છે. આંતરરાષ્ટ્રીય સંબંધોના કેટલાંક નિષ્ણાતોનો એવો મત પણ છે કે વિકસિત દેશો અને નાણાભંડોળ આપનારા દેશોનાં સ્થાપિત હિતો જે-તે વિકસિત કે વિકાસશીલ દેશમાં રહેલા છે તેથી તેઓ ત્યાં આવી સેવાપ્રવૃત્તિઓ કરે છે, કારણ કે આવા દેશોમાં ભરપૂર કુદરતી અને માનવ સંસાધનો રહેલાં છે. ઉપરાંત વસતીનું પ્રમાણ મોટું હોવાથી બજારની ક્ષમતા પણ વધુ છે. મેડિસીન્સ સાયન્સ ફ્રન્ટિયર્સ, ડેનિશ રેફ્યૂજી કાઉન્સિલ, કેર ઈન્ટરનેશનલ, મર્સી કોર્પ્સ વગેરે એનજીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સારી એવી ખ્યાતિ ધરાવે છે.

એનજીઓ માટે કડક નિર્દેશ
*     વિદેશી ભંડોળ માટે કોઈ મધ્યસ્થીનો સંપર્ક ન કરવો.
*     અનુદાનના હેતુ સિવાયનાં કામોમાં ભંડોળનો ખર્ચ ન કરવો.
*     વિદેશી ભંડોળનાં ખાતાંમાં ડેબિટ કાર્ડનો ઉપયોગ ન કરવો.
*     દેશમાંથી મળતાં ભંડોળ અને વિદેશી ભંડોળનાં બેંક ખાતાં એક ન હોવાં જોઈએ.
*     શક્ય હોય ત્યાં સુધી રોકડા પૈસા ન ઉપાડવા, કારણ કે રોકડ ઉપાડ શંકાસ્પદ ગણાઈ શકે છે.
*     ભંડોળનો ઉપયોગ કોઈ રોકાણ તરીકે ન કરવો.
*     એફઆરસીએ હેઠળ નોંધાયેલી ન હોય તેવી સંસ્થાઓને ભંડોળ આપવું નહીં.

સૂકા ભેગું લીલાને પણ બળવું પડ્યું!
એનજીઓ પર અંકુશ મૂકવાના પ્રયત્નોમાં ખરા અર્થમાં સમાજપયોગી કાર્ય કરનારી એનજીઓને પણ ભોગવવાનો વારો આવ્યો છે. પૂરતા દસ્તાવેજો ન આપી શકવાના કારણે ગૃહ મંંત્રાલયે ગત જૂન મહિના બાદ કેટલીક ખ્યાતનામ સંસ્થાઓની અમુક શાખાઓની અરજી બંધ કરી હતી. જેમાં રામકૃષ્ણ મિશન, કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન અને માતા અમૃતાનંદમયી મઠ ઉપરાંત રાજકોટની સરગમ ક્લબનો પણ તેમાં સમાવેશ થાય છે.

એફસીઆરએ લાઇસન્સ રદ થનારી એનજીઓના વર્ષવાર આંકડા મુજબ ૨૦૧૫માં સૌથી વધુ લાઇસન્સ રદ થયાં, જેમાં ગુજરાતની જ ૩૬૦ એનજીઓ સામેલ હતી. ‘અભિયાન’ની ટીમે નડિયાદના કેથલિક ચર્ચનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નહોત. જ્યારે  ભીલ સેવા મંડળના પ્રમુખ નરસિંહભાઈ હાથીલા વિદેશપ્રવાસે હોઈ મળી શક્યા નહોતા.

એફઆરસીએ લાઇસન્સ રદ થયેલી ગુજરાતની સંસ્થાઓ
* ઉકાઈ નવનિર્માણ સમિતિ
* શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ
* શ્રી શક્તિધામ ટ્રસ્ટ
* શ્રી શક્તિ સનાતન ટ્રસ્ટ
* શ્રમિક સેવા સંસ્થાન
* સેવા ભારતી ફાઉન્ડેશન
* સર્વોદય આશ્રમ
* સરગમ ક્લબ
* સેન્ટ મેરીસ ડ્રેસ મેકિંગ સોસાયટી લિમિટેડ
* આદિવાસી પ્રગતિ યુવક મંડળ
* આદિવાસી ઉત્પાદક સહ. મંડળી લિમિટેડ
* અંજુમન-એ-સૈફી
* ભીલ સેવા મંડળ
* ક્રિશ્ચિયન એસો. ફોર કોમ્યુનિટી સર્વિસ
* કેથલિક ચર્ચ- નડિયાદ
* સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ
* ગુલશન-એ-મોહમ્મદ ટ્રસ્ટ
* ગ્રામ સેવા કેન્દ્ર
* દેવસ્મૃતિ ટ્રસ્ટ
* ગુજરાત ગુરુકુળ સભા
* ગાંધી વિદ્યાપીઠ – ગ્રામભારતી
* ગુજરાત સમાજસેવા ટ્રસ્ટ
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

17 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

17 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

17 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

17 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

18 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

18 hours ago