રિયો ઓલિમ્પિક : યજમાન બ્રાઝિલે ફુટબોલમાં જીત્યો ગોલ્ડ મેડલ

રિયો ડી જેનેરિયો : યજમાન બ્રાઝિલની ફુટબોલ ટીમે રિયો ઓલિમ્પિકમાં ફુટબોલનો ગોલ્ડ મેડલ જીત્યો છે. બ્રાઝિલે ફાઇનલમાં જર્મનીને હરાવી ગોલ્ડમેડલ જીત્યો. ઓલિમ્પિક ઇતિહાસમાં આ પ્રથમ વખત વખત બન્યું છે કે બ્રાઝિલે ફુટબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ મેચમાં બ્રાઝિલના સુકાની નેમારના શાનદાર પ્રદર્શનના કારણે બ્રાઝિલે ગોલ્ડમેડલ જીત્યો.

રિયો ઓલિમ્પિકની ફાઇનલમાં દુનિયાની સૌથી બે દિગ્ગજ ટીમ આમને-સામને હતી. જેના કારણે ચાહકોમાં ફાઇનલને લઇને ભારે ઉત્સુક્તા જોવા મળી હતી. બંને ટીમ વચ્ચે ગોલ્ડ મેડલને લઇને શાનદાર ટક્કર જોવા મળી. બ્રાઝિલ ટીમના સુકાની નેમારે 26મી મિનિટમાં જ ગોલ કરી ટીમને 1-0ની સરસાઇ અપાવી હતી. પરંતુ જર્મનીએ શાનદાર રમત દાખવતાં 59મી મિનિટમાં જર્મન ખેલાડીએ ગોલ કરી 1-1 પર સ્કોર બરોબર કરી દીધો. ત્યાર બાદ મેચ ફુલટાઇમ સુધી 1-1 પર રહી હતી.

મેચના અંતમાં વધારાના સમયમાં પણ કોઇ ટીમ ગોલ કરી શકી નહોતી. એકસ્ટ્રા ટાઇમમાં પણ ગોલ ન થયા બાદ પેનલ્ટી શૂટ આઉટ કરવામાં આવ્યું. જેમાં અંતમાં બ્રાઝિલના સુકાની નેમારે ગોલ કરી બ્રાઝિલને પ્રથમ વખત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપવાનું બહુમાન પ્રાપ્ત કર્યું. ફુટબોલની પ્રથમ નંબરની ગણાતી ટીમ જર્મનીની અત્યારસુધીમાં ક્યારેય ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શકી નથી.

You might also like