આગામી IPL ભારતમાં જ યોજાશે

નવી દિલ્હીઃ દુષ્કાળને કારણે આઇપીએલ મેચોનાં સ્થળ બદલવાં અને અદાલતોમાં સતત થઈ રહેલી પિટિશનથી પરેશાન બીસીસીઆઇ આગામી વર્ષે આઇપીએલને દેશની બહાર યોજવા અંગે વિચારી રહી હતી, પરંતુ આઇપીએલની નવમી સિઝનની સફળતા અને અન્ય સમસ્યાઓને નજરમાં રાખીને હવે બોર્ડે આ વિચાર છોડી દીધો છે. બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ગઈ કાલે કહ્યું કે આઇપીએલ સંચાલન પરિષદ આ અંગે વિચારણા કરી શકે છે.

ઠાકુરે ગત એપ્રિલમાં કહ્યું હતું કે આઇપીએલને આસાન નિશાન બનાવાઈ રહી છે અને તેના વિરુદ્ધ કોર્ટમાં સતત અરજીઓને કારણે આઇપીએલને વિદેશમાં યોજવા અંગે વિચારણા થઈ શકે છે.  બીસીસીઆઇના એક ટોચના અધિકારીએ કહ્યું કે આ વર્ષે દુષ્કાળને કારણે આઇપીએલ મેચમાં પાણીની બરબાદીને લઈને આ લીગ વિરુદ્ધ ઘણાં રાજ્યોમાં પિટિશન કરવામાં આવી હતી. આને કારણે અમારે કેટલીક મેચોનું સ્થળ બદલવું પડ્યું હતું, પરંતુ આ સિઝનની સફળતા અને અન્ય સમસ્યાઓને જોતાં આઇપીએલનું વિદેશમાં આયોજન કરવું આસાન કામ નથી. આગામી આઇપીએલ ભારતમાં જ યોજાશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯માં આખી આઇપીએલનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૦૧૪માં પહેલા ૧૫ દિવસ માટે સંયુક્ત આરબ અમિરાતમાં આઇપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાકીની મેચો ભારતમાં રમાઈ હતી.

You might also like