આગામી દિવસોમાં સોનાનો ભાવ કેવો રહેશે?

સરકારે આઠમી તારીખની મધ્યરાત્રીથી રૂ.૫૦૦ અને એક હજારની ચલણી નોટ બંધ કરવાની જાહેરાત થતાં જ કાળાં નાણાં ધરાવનારા સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણરૂપી ખરીદી કરી હતી. જ્વેલર્સોએ પણ ગરજ પ્રમાણે મનફાવે તેવો ભાવ પડાવ્યો હતો. જ્વેલરી બજારનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સોનામાં રૂ.૪૫થી ૫૦ હજારના ભાવે જ્યારે ચાંદીમાં રૂ.૫૫થી ૬૦ હજારના ભાવ સોદા થયા હતા. જોકે હવે સોનાનો ભાવ કેવો રહેશે તે પ્રશ્ન સૌના મનમાં સતાવી રહ્યો છે. ત્યારે ટેક્નિકલ એનાલિસ્ટ બિરેન વકીલના જણાવ્યા પ્રમાણે ૨૦ જાન્યુઆરી, ૨૦૧૦ પહેલાં યુએસના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પ સ્થાનગ્રહણ કરે તથા નોટ બૅન જેવા ઈશ્યૂને લઈને સોનાનો ભાવ કેવો રહેશે તે અંગે કંઈ પણ કહેવંુ મુશ્કેલ છે. ટ્રમ્પ શાસનનાં સૂત્રો સંભાળે એ પછી બાદ સોના સહિત તમામ કોમોડિટીમાં તેજી તરફી ચાલ રહેશે.

જ્વેલર્સની સાથે મોબાઈલ, ઘડિયાળ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુનું વેચાણ આંખે ના ચઢ્યું
આઠમી તારીખે સાંજે વડા પ્રધાને રૂ.૫૦૦ અને એક હજારની ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કરતાં કાળાં નાણાં ધરાવતા લોકોમાં શિયાળામાં પણ પરસેવો છૂટી ગયો હતો. સલામત રોકાણ તરીકે સોનાની જ્વેલરી અને લગડીઓની ધૂમ ખરીદી થઈ હતી. જાણકારોના કહેવા પ્રમાણે જ્વેલર્સની ખરીદીની સાથેસાથે મોબાઈલ, ઘડિયાળ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની દુકાનો પણ મોડે સુધી ચાલુ રાખી મોટાપાયે કાળાં નાણાં થકી ખરીદી થઈ હતી, પરંતુ આ વેચાણ આંખે ચઢ્યું નથી તેવું જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓનું કહેવું છે.

એકસાઈઝ વિભાગે નોટિસો ફટકારી
રાજ્યમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા, રાજકોટનાં ૧૨૫થી વધુ જ્વેલર્સને એકસાઈઝ વિભાગે નોટિસ ફટકારી છે. જ્વેલર્સ એસોસિયેશનનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઠથી દસમી નવેમ્બર વચ્ચે જ્વેલર્સ તથા બુલિયનના વેપારીઓની સ્ટોકની વિગતો સહિત વેપારની માહિતી આપવા જણાવ્યું છે. કેટલાંક જ્વેલર્સ ફફડાટ અનુભવી રહ્યાં હોવાનું બહાર આવ્યું છે.

જીએસટીનો રેટ સોનાના ભાવને સીધી અસર
કેન્દ્ર સરકારે જીએસટીને ચાર સ્લેબમાં એટલે કે પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના દરે લેવાનું નક્કી કર્યું છે. સોના ઉપર જીએસટી કેટલો આવશે તે અંગે રેટનો નિર્ણય હાલ જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાયો નથી. જ્વેલરી બજારના જાણકારોના કહેવા પ્રમાણે હજુ આ અંગે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે બે ટકા આવશે તો વળી કેટલાક લોકો કહે છે કે ચાર ટકા આવશે. જ્વેલર્સનું કહેવું છે કે ચાર કે પાંચ ટકા જીએસટી સોના ઉપર આવે તો ચોક્કસ ભાવમાં પણ વધારો થશે અને તેની કારોબારને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજકોટ ગોલ્ડ માર્કેટને પણ અસર
નોટબંધીના નિર્ણય બાદથી જ લોકો સોનાની ખરીદી તરફ વળ્યા હતા. હવે જૂની ચલણી નોટોથી મોટા શો-રૂમમાં ખરીદી થતી ન હોવાથી કેટલાંક લોકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડની મદદથી સોનું ખરીદી રહ્યા છે. જેમનાં ખાતામાં મોટી રકમ પડી છે તેઓ આવા ટ્રાન્જેકશન મારફતે સોનું ખરીદી રહ્યા છે કે જેથી વધુ રકમ લઈને બજારમાં નીકળવું ન પડે. સામાન્ય લોકો પાસે પૈસા ન હોવાને કારણે સોનીબજારમાં ભીડ જોવા મળતી નથી. લગ્નસરાની સિઝનમાં પણ નાના વેપારીઓ પાસે ઘરાકી નથી. રાજકોટ સોનીબજારના અગ્રણી અરવિંદભાઈ પાટડિયા કહે છે, “બજારમાં ઘરાકી દેખાતી ન હોવાનું મુખ્ય કારણ લોકો પાસે પૈસા નથી અને બેન્ક ખાતામાં હોય તો ઉપાડની મર્યાદા નડે છે.” આમ પણ સોનીબજારના વેપારીઓ હાલ મોટાં ટ્રાન્જેક્શનોથી બચી રહ્યા છે, કારણ કે આવા વ્યવહારો પર એજન્સીઓ વૉચ રાખીને બેઠી છે. આ અસરથી જ્વેલરી માર્કેટમાં પણ મંદીનો માહોલ સર્જાય છે.
http://sambhaavnews.com/

You might also like