આગામી ૪૮ કલાકમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

અમદાવાદ ઃ અલગ જ મિજાજમાં આવી ગયેલી મોસમમાં ઠંડી ગરમી વરસાદની કુદરતી સાઇકલથી પર થઈને છેલ્લાં બે વર્ષમાં અનેક આંચકા આવ્યા છે. તેવી જ રીતે ફરી હાલમાં ઠંડી પડવાની મોસમ છે. ચોમાસાની વિધિવત્ વિદાય થઈ ચૂકી છે. ત્યારે આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા હળવા વરસાદની શક્યતા હોવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અરબી સમુદ્રની મધ્યમાં મુંબઈથી અંદાજે ૫૦૦ કિ.મી દૂર હવાનું હળવું દબાણ સર્જાયું છે. જેનાં પરિણામે ગુજરાતમાં છુટા છવાયા સ્થળોએ બે ઈંચ સુધી ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. વરસાદની સાથે કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં આ સંભાવના વધુ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના ગામોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુતમ તાપમાનમાં ૧૦ ડિગ્રી સુધીનો ઘટાડો થશે.

You might also like