News in Brief: યુવક અને વિદ્યાર્થિનીનો નદીમાં ઝંપલાવી આપઘાત

શાંતિપુરા ચોકડી પાસે ટાયર ભરેલા ટ્રેલરમાં આગ લાગતાં દોડધામ
અમદાવાદ: સરખેજ નજીક શાંતિપુરા ચોકડી પાસે ટાયર ભરેલા ટ્રેલરમાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી. અા ઘટનાના પગલે બંને તરફનો ટ્રાફિક ખોરવાઇ જતાં અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઇ ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે સરખેજ નજીક શાંતિપુરા ચોકડી પાસેથી પસાર થઇ રહેલ એક ટ્રેલરમાં અચાનક આગ ભભૂ‌કી ઊઠી હતી. ટ્રેલરની બોડીમાં જૂના ટાયર ભરેલાં હોઇ જોતજોતામાં આગ આખા ટ્રેલરમાં પ્રસરી જતાં બિહામણાં દૃશ્યો ઊભાં થયાં હતાં. આગમાં ટ્રેલર અને અંદરનો માલસામાન બળીને ખાક થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ આગને કાબૂમાં લીધી હતી અને ટ્રેલરને ક્રેનની મદદથી એક બાજુ કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.

આ ઉપરાંત હેબતપુર ચાર રસ્તા પાસે એક ટેમ્પો ટ્રેક્સ ગાડીમાં પણ મોડી રાત્રે અચાનક આગ લાગી હતી તેમજ દરિયાપુરમાં ડબગરવાડ પાસે એક હીરોહોન્ડા મોટરસાઇકલમાં કોઇ શખ્સે આગ ચાંપી હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે.

યુવક અને વિદ્યાર્થિનીનો નદીમાં ઝંપલાવી આપઘાત
અમદાવાદ: એક યુવક અને વિદ્યાર્થિનીએ સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. શહેરના કૈલાસનગર વિસ્તારમાં રહેતા નરેશભાઇ સોમાભાઇ મકવાણા નામના યુવાને અગમ્ય કારણસર વાસણા બેરેજ ગેટ નં.૩૦ નજીક સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. જ્યારે બહેરામપુરા વિસ્તારમાં ખોડિયારનગર નજીક આવેલી હનુમાન મંદિરની ચાલીમાં રહેતી કાજલ નટવરભાઇ પરમાર નામની યુવતીએ ધો.૧રની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં મનમાં લાગી આવવાથી આંબેડકરબ્રિજ પરથી નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવી નાખ્યું હતું.

દાણીલીમડા-મણિનગર અને વટવામાં તસ્કરો ત્રાટક્યા
અમદાવાદઃ શહેરના દાણીલીમડા, મણિનગર અને વટવામાં તસ્કરોએ ત્રાટકી રૂ.૧૦ લાખની કિંમતનાં ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હતી.દાણીલીમડામાં આવેલી વિશ્રાંતિ લક્ષ્મીકુંજ સોસાયટીના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ.બે લાખની કિંમતના સોના-ચાંદીનાં ઘરેણાંની ચોરી કરી હતી. મણિનગરમાં ઉત્સવ કોમ્પ્લેકસ, ગણેશ ગલી ખાતેના એક મકાનમાંથી પણ તસ્કરોએ ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ. સવા ત્રણ લાખની માલમતાની ચોરી કરી હતી. નારોલ ચાર રસ્તા પાસે ગોકુલેશ પેટ્રોલપંપ પાસે આવેલ એક ઓફિસની તિજોરીમાંથી પણ રૂ. સાડા ચાર લાખની રોકડની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પાંચ યુવાનો સહિત આઠ વ્યક્તિ ભેદી રીતે લાપતા
અમદાવાદ: શહેરમાંથી પાંચ યુવાનો સહિત આઠ વ્યકિત ભેદી રીતે લાપતા બની ગઈ હતી. સાબરમતીમાંથી કુંદન પંડ્યા, નિકોલમાંથી અજય પટેલ, ગોમતીપુરમાંથી અબુઝર રાજપૂત, અશ્વિન વાઘેલા, અશ્વિના કરસનભાઇ વાઘેલા અને સરદારનગરમાંથી સંદીપ ક‌િડયા તેમજ અંજ‌િલ શોભરાજમલ ગીદવાની તેમજ ઇસનપુરમાંથી નિધિ જગદીશભાઇ બારોટ અચાનક લાપતા બનતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.

You might also like