ન્યૂઝીલેન્ડને રાહત આપશે દાદાની આ વાત!

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ (કેબ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીની આ વાત ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ માટે થોડી રાહતભરી બની રહેશે. ગાંગુલીનું કહેવું છે કે ઈડન ગાર્ડન્સની પીચ સ્પિનર્સની મદદમાં થોડો સમય લઈ શકે છે. પહેલા જ દિવસથી વિકેટ ટર્ન નહીં લે.
કેબના અધ્યક્ષ ગાંગુલીએ ગઈ કાલે કહ્યું કે, ”વારંવાર વરસાદના કારણે ઈડન ગાર્ડન્સને કવરથી ઢાંકી રાખવામાં આવ્યું હતું, જેના કારણે પીચમાં થોડો ભેજ હોઈ શકે છે અને ટર્ન લેવામાં કેટલોક સમય લાગી શકે છે. પીચ પહેલા દિવસથી ટર્ન નહીં લે. આ વિકેટ પર સિઝનની પહેલી મેચ છે. પીચમાં હજુ પણ ભેજ છે, આથી બધું સૂરજના પ્રકાશ પર નિર્ભર કરશે, જોકે જેમ જેમ મેચ આગળ રમાતી જશે તેમ તેમ પીચ સ્પિન બોલર્સને સાથ આપવા માંડશે.

બંને ટીમની નજર હવામાન પર પણ રહેશે, કારણ કે હવામાન વિભાગે વરસાદ અને તોફાનની આગાહી કરી છે, આથી ઈડનના મેદાનની સુવિધાઓમાં પણ સુધારો કરી દેવાયો છે. પાંચ દિવસ દરમિયાન આ બાબતની પણ પરીક્ષા થશે. બીજી ટેસ્ટ એવી પીચ પર રમાવાની છે, જેના પર આ સિઝનમાં હજુ સુધી એક પણ મેચ રમાઈ નથી. ક્યૂરેટર સજન મુખરજીએ કહ્યું, ”ચિંતાની કોઈ વાત નથી, કારણ કે વિકેટ સારી સ્થિતિમાં છે. રોલિંગ દ્વારા વિકેટ તૈયાર કરવા માટે અમારે સૂર્યપ્રકાશની જરૂર છે. ઘાસ કાપી નાખવામાં આવ્યું છે.”

સૌરવ ગાંગુલીની કેબના અધ્યક્ષ તરીકેની આ પ્રથમ ટેસ્ટ છે. હવામાન વિભાગનું કહેવું છે કે કોલકાતામાં આગામી એક સપ્તાહ સુધી રોજ વરસાદની શક્યતા છે. જો આમ થયું તો કોલકાતા ટેસ્ટ વરસાદના કારણે ધોવાઈ જાય તેવી પણ શક્યતા છે.

You might also like