ટી-૨૦ વર્લ્ડકપઃ કેથલીન ક્રોસ ૧૬ માર્ચે ઇતિહાસ રચશે

દુબઈઃ ભારતમાં ૮ માર્ચથી શરૂ થઈ રહેલા આઇસીસીએ ટી-૨૦ વર્લ્ડકપ માટે પહેલી વાર બે મહિલા અમ્પાયરોની નિમણૂક કરી છે. બંને અમ્પાયર – ન્યૂઝીલેન્ડની કેથલીન ક્રોસ અને ઓસ્ટ્રેલિયાની ક્લેરી પોલોસાક થાઇલેન્ડમાં સંપન્ન થયેલ આઇસીસી મહિલા વિશ્વ ટી-૨૦ ક્વોલિફાયર્સમાં સામેલ હતી.

ક્રિકેટની રમત બધા માટે છે એ વાતને ધ્યાનમાં રાખતા આ બંને મહિલા અમ્પાયરની નિમણૂક આઇસીસીએ કરી છે. આશા રાખવામાં આવી રહી છે કે આ પગલાંથી વિશ્વમાં મહિલાઓની આ રમતમાં હિસ્સેદારી વધશે. આ મહિલા અમ્પાયરોમા કેથલીન ક્રોસ ૧૬ માર્ચે ચેન્નઈમાં મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં ભાગ લેનારી પ્રથમ મહિલા અમ્પાયર બનશે. કેથલીન ભારતના અમ્પાયર અનિલ ચૌધરી સાથે એ મેચમાં અમ્પાયરિંગ કરશે. બે દિવસ બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા અમ્પાયર ક્લેરી પોલોસાક વિશ્વ સ્તરે પોતાનું પદાર્પણ કરશે. તે ૧૮મી માર્ચે મોહાલીમાં ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની મહિલા ટીમોના મુકાબલામાં અમ્પાયરની ભૂમિકા નિભાવશે.

દરમિયાન આઇસીસીએ આઠ માર્ચથી શરૂ થઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપ માટે અધિકારીઓની યાદી જાહેર કરી દીધી છે. ૩૧ સભ્યોની આ ટીમમાં જવાગલ શ્રીનાથ સહિત છ ભારતીય સામેલ છે. શ્રીનાથ ૮ માર્ચે નાગપુરમાં ઝિમ્બાબ્વે અને હોંગકોંગ વચ્ચે રમાનાર ઉદ્ઘાટન મેચમાં મેચ રેફરીની ફરજ નિભાવશે. શ્રીનાથને પ્લેઇંગ કન્ટ્રોલ ટીમનો પ્રમુખ પણ બનાવવામાં આવ્યો છે.

You might also like