શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની મજબૂત પકડ

ડુનેડિનઃ પ્રવાસી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે શ્રીલંકાનો પહેલો દાવ ૨૯૪ રનમાં સમેટાઈ જતાં ન્યૂઝીલેન્ડને મહત્ત્વપૂર્ણ સાબિત થનારી ૧૩૭ સરસાઈ મળી હતી. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડે તેના પહેલા દાવમાં ૪૩૧ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કરુણારત્નેએ ૮૪ તથા ચંડીમલે ૮૩ રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી ન શકતા શ્રીલંકાનો પહેલો દાવ ૨૯૪ રનમાં સમેટાઈ ગયો હતો. આમ ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટના ત્રીજા જ દિવસે ટેસ્ટ  પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

આજના દિવસની રમત બંધ રહી ત્યારે બીજી ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડનાે એક વિકેટે ૧૭૧ રન છે. લાથમ ૭૨ રને અને વિલિયમ્સન ૪૮ રને બેટિંગ કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડની કુલ સરસાઈ ૩૦૮ રનની થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડના બીજા દાવની શરૂઆત પણ સુંદર રહી હતી અને પહેલી વિકેટની ભાગીદારીમાં લાથમ અને ગુપ્ટિલે ૭૯ રન ઉમેર્યા હતા. ગુપ્ટિલ આજે ૪૬ રન બનાવી હેરાથનો શિકાર બન્યો હતો.

You might also like