રોમાંચક ટી-20માં ન્યૂઝીલેન્ડે ત્રણ રનેથી શ્રીલંકાને આપ્યો પરાજય

માર્ટિન ગુપ્ટિલની 34 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ્સના આધારે ન્યૂઝીલેન્ડે અહીં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાને ત્રણ રનથી પરાજય આપ્યો છે. રોમાંચક બનેલી ટી-20 મેચમાં અંતિમ ઓવરમાં શ્રીલંકાની ટીમને ફકત દસ રન બનાવાના હતા જેમાં ત્રણ રનથી હાર થઇ હતી. આ પરાજયના કારણે રવિવારે ઓકલેન્ડમાં રમાનાર બીજી ટી-20 મેચમાં શ્રીંલકાને જીત મેળવાનો દબાવ જોવા મળશે નહીંતર તે વિશ્વ રેન્કિગમાં પ્રથમ સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી જશે.

ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 182 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દીધો હતો. લક્ષ્યનો પીછો કરી રહેલી શ્રીલંકાની ટીમે નવ વિકેટના નુકસાન પર 179 રન જ બનાવી શકી. શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. 86 રન પર શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઇ હતી. ગુનાતિલકાએ 26 બોલમાં 46 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તે પાંચમા ખેલાડી તરીકે આઉટ થયો હતો. ત્યારબાદ શ્રીવર્ધનાએ 42 અને પરેરાએ 28 રન કરી ટીમને જીત તરફ લઇ જવાની કોશિષ કરી હતી. આ અગાઉ ન્યૂઝીલેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. ગુપ્ટિલે અને વિલિયમ્સને ટીમને શાનદાર શરૂઆત આપી હતી. વિલિયમ્સને 42 બોલમાં 53 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કુલશેખરાએ 26 રનમાં બે વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે 21 રન આપી ત્રણ અને હેનરીએ 44 રન આપી ત્રણ વિકેટ લીધી હતી.

You might also like