ન્યૂઝીલેન્ડ દુનિયાનો બીજો સૌથી શાંત દેશ પણ અહીં દર ચોથી વ્યક્તિ પાસે બંદૂક

(એજન્સી) વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની અલ-નૂર અને લિનવૂડ મસ્જિદમાં શુક્રવારે ગોળીબારી થઈ હતી. આ હુમલામાં ૪૯ લોકોનાં મોત થયાં છે. ર૯ વર્ષમાં ન્યૂઝીલેન્ડમાં આ પહેલી વખત માસ શૂટિંગની ચોંકાવનારી ઘટના બની છે.
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ મુજબ ન્યૂઝીલેન્ડ વિશ્વનો બીજો સૌથી શાંત દેશ છે. ન્યૂઝીલેન્ડ વર્ષ ર૦૧૭ અને ર૦૧૮માં આ યાદીમાં બીજા નંબરે રહ્યું છે. આ અગાઉ પણ તે હંમેશાં ટોપ-૪માં રહ્યું છે. ર૦૦૭થી ર૦૧૬ વચ્ચે ન્યૂઝીલેન્ડમાં હત્યાઓના કેસ ડબલ ફિગરમાં પણ નહોતા નોંધાયા. ર૦૧૭માં ન્યૂઝીલેન્ડમાં હત્યાના ૩પ કેસ સામે આવ્યા હતા.

૧૯૯૦ના ફાયરિંગ બાદ ગનના નિયમ કડક બનાવાયા
નવેમ્બર, ૧૯૯૦માં ન્યૂઝીલેન્ડના ડ્યૂનડીન શહેરની અરામોઆના ટાઉન‌િશપમાં આ પ્રકારની જ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ૧૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ હુમલો ડેવિડ ગ્રે નામની વ્યક્તિએ કર્યો હતો, જેને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. હુમલાનાં બે વર્ષ બાદ ૧૯૯રમાં ન્યૂઝીલેન્ડમાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવવામાં આવ્યા હતા. આમ છતાં પણ ન્યૂઝીલેન્ડમાં ગન કલ્ચર સતત વધતું જાય છે અને છેલ્લાં થોડાં વર્ષમાં તે ચિંતાજનક બન્યું છે.

નીચા ક્રાઈમ રેટ છતાં ગન કલ્ચરમાં સતત વધારો
ન્યૂઝીલેન્ડમાં અમેરિકાની જેમ જ ગન કલ્ચર સતત વધતું જાય છે. સ્મોલ આર્મ સર્વે અનુસાર ન્યૂઝીલેન્ડમાં ૧ર લાખ લોકો પાસે ગન છે, જ્યારે ર૦૧૭ સુધીમાં ત્યાંની વસ્તી ૪૭.૯ લાખ હતી. એટલે કે ન્યૂઝીલેન્ડમાં દર ચોથી વ્યક્તિ પાસે પોતાની ગન છે. હાલ ત્યાં ૧૬ વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે બંદૂક રાખવાનું લાઈસન્સ આસાનીથી મેળવી શકે છે અને આ માટેના નિયમ પણ બહુ સરળ છે.

લોકો પાસે બંદૂક પણ પોલીસકર્મી હથિયાર વગરના!
કમાન્ડોને બાદ કરીએ તો ન્યૂઝીલેન્ડના મોટા ભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની સાથે હથિયાર રાખતા નથી. ર૦૧૭માં ન્યૂઝીલેન્ડમાં પોલીસકર્મીઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે ૬૬ ટકા પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે વધતા ગન કલ્ચરના કારણે તેમને પણ હથિયાર રાખવાની મંજૂરી મળવી જોઈએ. વર્ષ ર૦૦૮માં આ પ્રકારના જ એક સર્વેમાં ફક્ત ૪૮ ટકા પોલીસકર્મીઓએ સાથે હથિયાર રાખવાની તરફેણ કરી હતી. ત્યાંની પોલીસ માને છે કે હથિયાર જોઈને આરોપી ડરી જાય છે અથવા ઉશ્કેરાઈ જાય છે અને આ બંને સંજોગોમાં કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચતું હોય છે.

You might also like