કુલદીપ-યુઝવેન્દ્ર ચહલનો સામનો કરવો મુશ્કેલ બનશેઃ વિલિયમ્સન

મુંબઈ: ભારતના પ્રવાસે આવી પહોંચેલી ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનું માનવું છે કે નિર્ધારિત ઓવરની મેચોની આગામી શ્રેણીમાં તેની ટીમને કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની સ્પિન જોડી સામે રમવું અઘરું પડશે. વિલિયમ્સને કહ્યું, “કુલદીપ અને યુઝવેન્દ્ર પાસે સ્પિન બોલિંગની સારી કળા છે. તેઓએ આઇપીએલમાં રમી સારી નામના મેળવવા સાથે રાષ્ટ્રની ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બંને સામે રમવાનો અમારી ટીમ સામે મોટો પડકાર છે, જોકે અમારા બેટ્સમેનો તેઓનો સામનો કરવા બહુ જ આતુર છે.”

વિલિયમ્સને કુલદીપનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ”વિશ્વ ક્રિકેટમાં ચાઇનામેન બોલર બહુ ઓછા છે. અમે ભારતીય પીચો પર રમવા કેવા અનુકૂળ બની શકીએ છીએ તેના પર બધો આધારે રહે છે.”

ભારતે આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા સિનિયર સ્પિન બૉલર્સને ત્રણ મેચની વન ડે શ્રેણી માટેની ટીમમાં સામેલ કર્યા નથી. આ શ્રેણીનો ૨૨મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે અને કુલદીપ, યુઝવેન્દ્ર તથા ડાબોડી સ્પિનર અક્ષર પટેલની ભારતીય ટીમમાં પસંદગી કરાઈ છે.

‘અશ્વિન અને જાડેજાની ભારતની ટીમમાંથી બાદબાકીથી શું તમને આશ્ચર્ય થયું છે?’ એવો સવાલ પૂછવામાં આવતાં વિલિયમ્સને કહ્યું કે, ”ભારતમાં એટલા બધા સારા સ્પિન બૉલર છે કે અમુક ખેલાડીઓને અમુક સમયે આરામ આપવો પડતો હોય છે.” ઉલ્લેખનીય છે કે કુલદીપે તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં પોતાની બૉલિંગથી સારો પ્રભાવ પાડ્યો હતો અને એક દિવસીય ક્રિકેટમાં હેટ્રિકની સિદ્ધિ મેળવનાર ભારતનો તે ત્રીજો બોલર બન્યો હતો.

ન્યૂઝીલેન્ડના કોચ માઇક હેસને કહ્યું કે તેમની ટીમના ખેલાડીઓ કુલદીપ સામે આઈપીએલ સ્પર્ધામાં રમ્યા હતા, જેથી તેઓ કુલદીપની બોલિંગથી પરિચિત છે અને કેટલાક કિવી ખેલાડી તો કુલદીપ જોડે એક જ ટીમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વતી રમ્યા હતા.

પોતાના છેલ્લા પ્રવાસમાં ૨-૩થી થયેલા શ્રેણી પરાજયને યાદ કરતાં વિલિયમ્સને કહ્યું હતું કે, ”ભારતના પ્રવાસમાં રમવું હંમેશાં કઠિન હોય છે અને આવો અનુભવ ઘણી વિદેશી ટીમને તાજેતરમાં થયો છે.” વિલિયમ્સને ૨૪ વર્ષીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની રમતનાં વખાણ કરતાં જણાવ્યું કે, ”હાર્દિક ભારતની ટીમનો મહત્ત્વનો ખેલાડી બની ગયો છે, જે ટીમના સમતોલપણામાં વધારો કરે છે.”

ન્યૂઝીલેન્ડની ટીમ શ્રેણીની તૈયારી માટે આજે ૧૭ ઓક્ટોબર અને ૧૯ ઑક્ટોબરે મુંબઈના સીસીઆઈ (ક્રિકેટ કલબ ઑફ ઈન્ડિયા)ની માલિકીના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે બે પ્રેક્ટિસ મેચ રમશે.

પહેલી વન ડે ઈન્ટરનેશનલ મેચ અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે ૨૨ ઓક્ટોબરે રમાનાર છે. વન ડે શ્રેણી પછી ત્રણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમાશે. ન્યૂઝીલેન્ડની વન ડે ટીમમાં રાષ્ટ્રની એ-ટીમના છ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે તાજેતરમાં ઈન્ડિયા-એ સામે શ્રેણી રમ્યા હતા.

You might also like