ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળની શિક્ષિકાની ક્રૂર હત્યાથી ચકચાર

ન્યૂયોર્ક:ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને ભારતીય મૂળની એક સ્કૂલ ટીચરનું મર્ડર કર્યું હતું. ર૪ વર્ષીય અરિશ્મા અર્ચનાસિંહનો મૃતદેહ તેના નિવાસસ્થાને ડ્રોઇંગ રૂમના ફર્શ પરથી મળી આવ્યો હતો. તે એક બર્થ ડે પાર્ટીમાં ગઇ હતી. ત્યાર બાદ ઘરે પરત ફર્યા પછી કેટલાક હુમલાખોરોએ તેેના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસવાની કોશિશ કરતાં થયેલી ઝપાઝપીમાં અર્ચનાનું મોત થયું હતું.

અરિશ્માનો જન્મ ફિઝીમાં થયો હતો અને હાલ તે ઓકલેન્ડમાં રહેતી હતી.દરમિયાન અમેરિકાના નોર્થ કેરોલીનામાં એક કલબમાં થયેલા શૂટઆઉટમાં ભારતીય મૂળના એક બિઝનેસમેનનું ગોળી વાગવાથી મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ફાયટેવિલે શહેરમાં નાઇટસ ઇન એન્ડ ડાયમંડસ જેન્ટલમેન કલબના માલિક આકાશ ટી. તલાટી (ઉં.૪૦)નું આ ફાયરિંગમાં મોત થયું હતું. જોકે તેમના પર કોઇ હુમલો થયો નહોતો, પરંતુ તેઓ એક રાહદારી તરીકે પસાર થતા હતા ત્યારે ફાયરિંગ થતાં અકસ્માતે તેમને ગોળી વાગવાથી તેમનું મૃત્યુ થયું હતું.

આકાશ તલાટી ઉપરાંત અન્ય ચારથી પાંચ લોકોને ગોળી વાગી હતી. તમામને સારવાર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં આકાશ તલાટીનું પાછળથી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એક અન્ય ઘાયલની હાલત ગંભીર હોવાનું જણાવાય છે. અમેરિકન પોલીસના જણાવ્યા અનુસાર મૂળ ગુજરાતના આણંદના વતની આકાશ તલાટી નોર્થ કેરોલીના સ્ટેટમાં કલબ ચલાવતા હતા.

મોડી રાત્રે એક શખ્સ કલબમાં આવ્યો હતો, પરંતુ સિકયોરિટી ગાર્ડે તેને બહાર કાઢી મૂકયો હતો. ત્યાર બાદ તેણે બહાર ઊભેલી પોતાની કારમાંથી રિવોલ્વર કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલાખોરની ઓળખ ર૩ વર્ષીય માર્કિજ ડેવિડ તરીકે થઇ છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને મદદની તમામ ખાતરી આવી હતી.

You might also like