ન્યૂયોર્ક અને સર્જન ટાવરની ૭૦ દુકાનો સીલ કરી દેવાઈ

અમદાવાદ: મ્યુનિ. કોર્પો.ના નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ આજે સવારે હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટી સિસ્ટમના મામલે ન્યૂયોર્ક ટાવર અને સર્જન ટાવર પર ત્રાટકી હતી. આ બંને ટાવરમાં ફાયર સેફટી સિસ્ટમ જ ન હતી. જેના કારણે તંત્ર દ્વારા સીલિંગ ઝુંબેશ હાથ ધરાતાં ખળભળાટ મચી ગયો હતો.

ગત તા.૪ માર્ચ, ર૦૧૬એ નવા પ.ઝોનના ડેપ્યુટી કમિશનર દેવાંગ દેસાઇએ સૂચનાના આધારે એસ્ટેટ વિભાગ દ્વારા ૧૦૦૦ હાઇરાઇઝ બિલ્ડિંગને ફાયર સેફટીની નોટિસ ફટકારી હતી. ર્કોપો.ની આ નોટિસ હેઠળ જે તે હાઇરાઇઝ બિલ્ડીંગમાં ૩૦ દિવસમાં યોગ્ય ફાયર સેફટી સિસ્ટમ બેસાડવાની તાકીદ કરાઇ હતી. જે હાઇરાઇઝ બિલ્ડિંગ પાસે ફાયર સેફટી સિસ્ટમની એનઓસી હશે કે તેે રિન્યૂ કરાવી હશે તો તેવી ‌બિ‌િ‌લ્ડંગ માટે આ નોટિસ આપોઆપ રદબાતલ ઠરવાની હતી.

જોકે થલતેજમાં આવેલા ન્યૂયોર્ક ટાવર અને મેમનગરમાંં આવેલા સર્જન ટાવર પાસે તો ફાયર સેફટી સિસ્ટમ જ ન હતી !
નવા પ.ઝોનના ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહ કહે છે, “આજે વહેલી સવારે આ બંને હાઇરાઇઝ બિલ્ડિંગમાં સીલિંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ બિલ્ડિંગોના સંચાલકોને ગત તા.૪ માર્ચે ફાયર સેફટી સિસ્ટમ બેસાડવાની તાકીદ કરાઇ હતી. પરંતુ એક મહિનાના સમયગાળા બાદ પણ તંત્રની તાકીદની અવગણના કરાતાં આજે સીલિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી.” કોર્પોરેશન દ્વારા ન્યૂયોર્ક ટાવરમાં ૪પ દુકાનોને સીલ મરાયાં હતાં. ચેતન્ય શાહ વધુમાં કહે છે, ‘હાઇકોર્ટની એક સૂચનાના આધારે ત્રણ એડવોકેટની ઓફિસને બાકાત રખાઇ છે.’

જ્યારે સર્જન ટાવરના એલ બ્લોક, એમ બ્લોકમાં આવેલી કુલ રપ દુકાન-ઓફિસ પણ આજે તંત્રની ઝપટમાં આવી હતી. જોકે બે ડૉકટરના દવાખાના અને એક કો ઓપરેટિવ બેન્કનું એટીએમ પણ હાઇકોર્ટની સૂચનાની ગાઇડલાઇનના આધારેસીલિંગ ઝુંબેશમાંથી બચી જવા પામ્યું હતું. નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ કહે છે, જે એક હજાર હાઇરાઇઝ બિલ્ડિંગોને નોટિસ ફટકારાઇ છે તે પૈકીની કોમર્શિયલ બિલ્ડિંગોની સામે તંત્ર કાયદેસરની કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખશે. જીડીસીઆરના ચેપ્ટર ર૪ની જોગવાઇ હેઠળ ૧પ મીટરથી ઊંચા બિલ્ડિંગને નોટિસ અપાઇ હોઇ આવતા અઠવાડિયે અન્ય કોમર્શિયલ બિલ્ડિંગ સામે તંત્ર લાલ આંખ કરશે.

You might also like