નવા વર્ષે અબોલાની મડાગાંઠ ઉકેલીએ

માના જણ્યા બે સગા ભાઈ છે. એકબીજા માટે બંનેને પુષ્કળ લાગણી છે પણ બંને ભાઈઓ એકબીજા સાથે બોલતા નથી. વર્ષોથી તેમણે અબોલાની એક દીવાલ ઊભી કરી છે. એ દીવાલમાં ગાબડું પાડવાની કોશિશ બે ભાઈઓમાંથી એક પણ ભાઈએ કરી નથી! એક પિતા અને એક પુત્ર છે. પિતાને પુત્ર માટે અનહદ લાગણી છે. પુત્રને પણ પોતાના પિતા માટે લાગણી જ નહીં-અનહદ માન પણ છે. પણ બંને વચ્ચે અબોલાની એક દીવાલ છે. એ દીવાલ તોડવાની બેમાંથી એકેય જણ કોશિશ કરતા નથી!

એક પતિ અને પત્ની છે. પતિ અને પત્નીને પરસ્પર ઊંડી લાગણી છે પણ એમની વચ્ચે પણ અબોલાની જે દીવાલ છે તે હટાવવાની પહેલ એક પણ જણે કરી નથી! બે જૂના મિત્રો છે-એકબીજા માટે બંનેને દાઝ છે પણ ત્યાં પણ અબોલાની એક દીવાલ છે જેને દૂર કરવાની કોશિશ બેમાંથી એક પણ જણ કરતું નથી! કેમ? આવું કેમ? એવો પ્રશ્ન તેમને થાય તેટલા બંને સમજદાર છે પણ બેમાંથી એક પણ વ્યક્તિ અબોલાની દીવાલ દૂર કરતી નથી! કારણ શું હશે? કદાચ એ જ કે બેમાંથી એક પણ વ્યક્તિ પોતપોતાના અહંભાવને ટપી શકતી નથી!

આપણે ચારે તરફ આ અબોલાની દીવાલ નિહાળી રહ્યા છીએ! પણ કોઈને કદી એવો પ્રશ્ન થતો નથી કે અબોલાની આ દીવાલ શા માટે? એથી છેલ્લે શું મળવાનું છે? ઠીક અંશે દરેકનો આ પ્રશ્ન છે અને છતાં કોઈ આ પ્રશ્નનો મુકાબલો કરવાની હિંમત દાખવતું નથી. કોઈને એમ થતું નથી કે આમ શા માટે? શા માટે અબોલાનું સ્થાન નિખાલસ વાતચીત કે સીધો સંવાદ લઈ ના શકે? મનમાં ક્યાંક કશોક સંકોચ છે તો એ સંકોચ છૂટી ના શકે? કાંઇક કડવું કહેવાનું છે? તો કડવું પણ કહો તો આ રીતે અબોલાની દીવાલને અભેદ્ય બનાવી દેવાની જરૂર જ ક્યાં છે? ભગવાને માનવીમાત્રને એક જબાન અને બે કાન તો આપેલાં છે જીભ ઘણું બધું બોલે છે તો તેને આ અબોલા છોડીને કશુંક કહેવાની ઇચ્છા કેમ નથી નથી?

આ અબોલાથી બંને વચ્ચેનું અંતર વધતું જ રહે છે. એ અંતર એક સરસ સંબંધમાં બંને વચ્ચેની ખાઈને વધાર્યા જ કરે છે, એના કારણે બંને કાંઈક ગુમાવે છે! કોઈને કશું જ મળતું નથી! બંનેનાં મન ભારે ને ભારે જ રહ્યા કરે છે. ધીરે ધીરે ખોલી ના શકાય તેવી નાળ એ બની જાય છે! પાણીના પ્રવાહમાં ક્યાંક કચરો હોય તો આપણે તે દૂર કરી શકીએ છીએ! સંબંધની આ નળી પણ શું સાફ થઈ ના શકે? આ પ્રકારના અબોલામાં સાચી લાગણી કેટલી બધી રુંધાય છે? પણ કોઈને આ પ્રશ્ન ધ્યાન પર લેવાનું મન જ થતું નથી! કેમ ભલા? એવું તે શું બની ગયું છે કે આ અબોલા છૂટી શકતા નથી? માણસ ધારે તો પળમાત્રમાં આ અબોલાને ઓગાળી નાખી શકે છે પણ એ માટે પહેલ કોણ કરે? પ્રશ્ન આ જ છે. મન તો બંનેનાં ‘બોલું બોલું’ ‘કાંઈક કહું’ એવું ઈચ્છી રહ્યાં હોય છે પણ જીભ ઊપડતી નથી! જાણે કોઈકે જીભને પકડી રાખી છે! એવો વિચાર પણ આવતો નથી કે ક્યારેક વાચા ચાલી જશે અને કહેવા જેવું ઘણું બધું કહ્યા વગરનું જ રહી જશે! પીડાતા માણસને આપણે કહીએ છીએ કે ભાઈ બોલ! બોલી નાખ! તું કાંઈક બોલે તો ખબર પડે કે પીડા શું છે?! શું પીડાને દૂર કરી શકાય એમ જ નથી? પણ કાંઈક કહેવામાં આવે તો ખબર પડેને! પણ કોઈ કશું જ બોલવા જ્યાં તૈયાર જ ના થાય ત્યાં શું થાય?

આ અબોલાને કારણે માનવ-માનવ વચ્ચેના સંબંધમાં અનેક ગૂંચો પેદા થાય છે. ગૂંચો આ અબોલાને લીધે વધતી જ જાય છે. એક નાનકડી ગાંઠ અબોલાને લીધે મોટી ને મોટી ગૂંચ કે મડાગાંઠ પણ બની જાય છે. માણસ ઇચ્છે તો પળવારમાં એનો ઉકેલ આવી જઈ શકે છે. પણ ના, હું નથી બોલતો! મારે તો અબોલા છે! હું શા માટે બોલું? એ કાંઈક બોલે તો પછી હું પણ બોલવા તૈયાર છું! પણ હું પહેલ નહીં જ કરું! પ્રશ્ન મારા સ્વમાનનો છે! પણ સ્વમાનની રક્ષા કરવાનો શું આ જ એકમાત્ર રસ્તો છે? એ બોલે તો મારાથી બોલાય પણ હું શરૂઆત ના કરું! બનવાજોગ છે કે એ મને નબળો-નમાલો ધારી લે!

અબોલાની દીવાલ ગમે તેટલી ઊંચી ચણો પણ લાગણી તો મરતી નથી! અબોલા તો રહે જ છે! પછી ક્યારેક કટોકટીની પળે અબોલાની દીવાલને લાગણીનાં પૂર તોડી ફોડી નાખે છે! ભાઈ, મારા ભાઈ! એવું રડતાં રડતાં બોલાઈ જાય છે! સાંભળનારા કહે છે કે ‘બંધવા હોય અબોલડે તોય પોતાની બાંય!’ પણ કેટલીક વાર ઘણું મોડું થઈ ગયું હોય છે! સમયસરનો એક ટાંકો સંબંધના જીર્ણ વસ્ત્રને બચાવી લઈ શકે છે! સમયસરનો એક સમયસરનો એક ટાંકો! એનો સમય તો માણસે પોતે જ નક્કી કરવાનો છે. એ કર્યા વગર છૂટકો જ નથી!

visit: sambhaavnews.com

You might also like