નવા સંકલ્પ સાથે નવા વર્ષની શરૂઆત

અંગ્રેજી કેલેન્ડર અનુસાર થોડા જ દિવસોમાં નવા વર્ષની શરૂઆત થશે. જોકે કેલેન્ડર એ તો માત્ર સમયનું પ્રતીક છે. જે લોકો મહત્ત્વાકાંક્ષી હોય તેઓ જ પોતાના જીવનમાં કંઈક સંકલ્પો કરતા હોય છે.

પોતાનાં સપનાંઓને પૂર્ણ કરવા માટે એક સમયસીમા નક્કી કરતાં હોય છે. નવા સંકલ્પો લેતાં હોય છે. આજની યુવાપેઢી પણ મહત્ત્વાકાંક્ષી છે અને પોતાના જીવનમાં લક્ષ્યની પ્રાપ્તિ માટે ખૂબ જ આતુર છે.

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં વિકીનું પાત્ર ભજવનારો મલ્હાર ઠક્કર કહે છે, ‘નવા વર્ષ માટે મેં એવો સંકલ્પ કર્યો છે કે, હું ગુજરાતી ફિલ્મોને વધારે આગળ લઈ જાઉ. ગુજરાતી ફિલ્મોને નેશનલ એવોર્ડ મળે તે માટે હું ખૂબ જ મહેનત કરવા ઇચ્છું છું. હમણાં તો હું માત્ર કારકિર્દી પર જ ધ્યાન આપી રહ્યો છું. નવા વર્ષની ઉજવણી અમે સુરતમાં કરવાના છીએ. જ્યાં એક ઈવેન્ટમાં અમે નવા વર્ષનું સેલિબ્રેશન કરીશું.’

ગુજરાતની જાણીતી યુવા સિંગર રૂપ ઝવેરી કહે છે, ‘હમણાં તો હું મારી સિંગિંગની કારકિર્દી પર જ ધ્યાન આપી રહી છું. હું ઇચ્છું છું કે, નવું વર્ષ મારા ભવિષ્ય માટે ઉજ્જવળ રહે તેમજ મને ખૂબ નેમ અને ફેમ મળે. હું લાઈવ પરફોર્મન્સ આપું છું તો આપણા દેશની સાથે વિદેશમાં પણ લોકો મને ઓળખતા થાય અને એક ગુજરાતી કલાકાર તરીકે હું મારી ઓળખ બનાવી શકું.’

ગુજરાતના જાણીતા યુવા થિયેટર આર્ટિસ્ટ ચિંતન પંડ્યા કહે છે, ‘નવા વર્ષની શરૂઆત હું મારા નવા પ્રોડક્શન સાથે કરી રહ્યો છું. મારું નવું પ્રોડક્શન પેરિસથી શરૂ થઈ રહ્યું છે, તેથી હું ખૂબ જ ઉત્સાહિત છું. નવા વર્ષની શરૂઆતમાં જ પેરિસમાં અમારા ઘણા બધા શો છે. હું ખૂબ જ ખુશ છું કે, મારું નવું વર્ષ નવી સફળતાઓ સાથે શરૂ થઈ રહ્યું છે. આ સિવાય નવા વર્ષે અમે અમદાવાદમાં કાફે થિયેટર નામે એક નવી પ્રવૃત્તિ પણ શરૂ કરી રહ્યા છીએ.’

જીવનમાં લેવાયેલા નાના સંકલ્પ જ્યારે પાર પડે છે ત્યારે ઘણી ખુશી થાય છે. તેમાંથી મોટા સંકલ્પ લેવાના તેમજ જીવનમાં કંઈક નવું કરવાની હિંમત મળે છે. એવું જરૂરી નથી કે નવા વર્ષ નિમિત્તે લેવાયેલો સંકલ્પ વ્યક્તિગત જ હોવો જોઈએ. આ સંકલ્પ સમાજના કલ્યાણ સાથે અથવા તો દેશની પ્રગતિ સાથે જોડાયેલો પણ હોઈ શકે છે.

કહેવાય છે કે, ચાલવાનું શરૂ કરીએ તે પહેલાં મંજિલ હોવી જરૂરી છે અને સંકલ્પ એક મંજિલ સમાન છે. મંજિલ સુધી પહોંચતા જે આનંદ થાય છે અવર્ણનીય છે, પરંતુ હા, સંકલ્પ લેતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે, તમે ક્યાંય પોતાની સાથે અતિશયોક્તિ ન કરી દો. સંકલ્પ એવા લો જે તમને જીવનમાં આગળ વધવાની તેમજ કંઈક નવું કરવાની હિંમત આપે. જીવનમાં હતાશ ન કરે. તો પછી ચાલો, આપણે પણ એક નવો સંકલ્પ લઈને નવા વર્ષને વધારે શ્રેષ્ઠ બનાવીએ.

પારૂલ ચૌધરી

You might also like