બેસતું વર્ષ સોમવારે હોઈ કાંકરિયા મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે

અમદાવાદ: નિયમ મુજબ દર સોમવારે અબાલવૃદ્ધોને આકર્ષતું કાંકરિયા લેકફ્રન્ટને સાફસફાઇ માટે કોર્પોરેશન બંધ રાખે છે, પરંતુ આગામી સોમવારે હિંદુઓના નવા વર્ષ વિક્રમ સંવત ૨૦૭૩નો શુભારંભ થતો હોઇ કાંકરિયાના લોખંડી દરવાજા મુલાકાતીઓ માટે ખુલ્લા રખાશે. ત્યાર બાદ પણ સતત તહેવારો હોઇ સમગ્ર અઠવાડિયા દરમિયાન કાંકરિયાને બંધ નહીં રખાય.

સામાન્ય દિવસોમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દરરોજના ૧૦થી ૧૫ હજાર મુલાકાતીઓ ઊભરતા હોઇ તંત્રને એન્ટ્રી ફી, મિની ટ્રેન, કિડ્સ સિટી વગેરેથી રૂ. ત્રણથી ચાર લાખની આવક થાય છે, પરંતુ દિવાળીના તહેવારોમાં તંત્રની રોજની આવક બમણી થઇને રૂ. છથી આઠ લાખની થાય છે.

દિવાળીના સપરમા દિવસમાં દરરોજના ૩૦થી ૩૫ હજાર સહેલાણીઓથી કાંકરિયા ઊભરાઇ જાય છે, જોકે લાભપાંચમ બાદ કાંકરિયા રાબેતા મુજબનું થાય છે. સત્તાધીશો દ્વારા લોકોને નવી મનોરંજક પ્રવૃત્તિની દિવાળી ભેટ મળવાની નથી, જોકે સિક્યોરિટીના ૧૦૬ ગાર્ડ અને ૨૪ સીસીટીવી કેમેરાથી કાંકરિયાને સુસજ્જ રખાયું હોઇ મુલાકાતીઓ પૂરતી સલામતી અનુભવી શકશે.

You might also like