નવા પશ્ચિમ ઝોનના ડેપ્યૂટી કમિશનર તરીકે ડી. પી. દેસાઇ યથાવત રખાયા

728_90

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આજે બાર ગેસ કેડર અધિકારીઓની આઇએએસ અધિકારીઓમાં પદોન્નતિ કરાયા બાદ આ તમામ અધિકારીઓને તેમના પદ પર એક્સ-કેડર તરીકે ચાલુ રખાયા છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર પદે ડી. પી. દેસાઇ યથાવત રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડી. પી. દેસાઇને આઇએએસ અધિકારી તરીકેની બઢતી અપાઇ છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નોટિફિકેશન મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા ગત તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૫એ બાર ગેસ કેડરના અધિકારીઓને આઇએએસ અધિકારીઓ તરીકે પદોન્નતિ કરાયા છે.

આ ગેસ કેડરના અધિકારીઓ પૈકી પાટણના ડી.આર.ડી.એ.ના ડાયરેકટર એચ. જે. વ્યાસ, ગાંધીનગરની સ્ટેટ રૂરલ હેલ્થ મિશનના પ્રોગ્રામ ઓફિસર જે. કે. ગઢવી, અમદાવાદના ડી.આર.ડી.એ.ના ડાયરેકટર પી. એલ. સોલંકી, ગાંધીનગરના ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રિઝ માર્કેટિંગ કોર્પોરેશનના એમ. ડી. જે. બી. પટેલ, સુરેન્દ્રનગરના આર.એ.સી. એચ. કે. કોયા, ગાંધીનગરના સર્વ શિક્ષા અભિયાનના અધિક સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર એ. પી. શર્મા, ડાંગ-આહવાના આર.એ.સી. જે. આર. ડોડિયા, ગાંધીનગરના ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસના ઓએસડી એ. જે. શાહ, ગાંધીનગરના રૂરલ ડેવલપમેન્ટ કમિશનર વિભાગના ડી. એસ. ગઢવી, ગાંધીનગરના સ્ટેટ ઇલેકશન કમિશનના સંયુક્ત સચિવ આર. બી. રાજ્યગુરૂ અને અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર ડી. પી. દેસાઇને પોતપોતાના હોદ્દા પર એક્સ-કેડર પદ તરીકે પુનઃ ચાલુ રખાયા છે.

આ ઉપરાંત રાજ્યના પંચાયત, ગ્રામગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સચિવ અને ગ્રામ વિકાસના કમિશનર ડૉ. જયંતી એસ. રવિ, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઇઓ અંજુ શર્મા, ઉદ્યોગ અને પાણી વિભાગ હેઠળના પ્રવાસન, યાત્રાધામ અને દેવસ્થાનના સચિવ એસ. જે. હૈદર અને રાજ્યના હેલ્થ મેડિકલ સર્વિસીસ અને મેડિકલ એજ્યુકેશનના કમિશનર જગદીશ પ્રસાદ ગુપ્તાએ એમ ચાર આઇએએસ અધિકારીઓને તેમના પદ પર જાળવી રાખીને પે-સ્કેલમાં વૃદ્ધિ સાથે અગ્ર સચિવ તરીકેની પદોન્નતિ અપાઇ છે.

જ્યારે નેશનલ રૂરલ હેલ્થ મિશનના ડાયરેકટર ડૉ. વિનોદ આર. રાવ, જિઓલોજી એન્ડ માઇનિંગના કમિશનર એમ. થેન્નારસન, ઉત્તર ગુજરાત વીજ લિ. મહેસાણાના એમ. ડી. અનુપમ આનંદ, સુરતના મ્યુનિ. કમિશનર મિલીંદ તોરવણે અને જીપીએસસીના સચિવ ડી. પી. જોશીને રાજ્ય સરકારમાં સચિવ તરીકેની સમકક્ષ પદોન્નતિ સાથે સ્કેલમાં વૃદ્ધિ કરાઇ છે.

તેમ જ નાણાં વિભાગના બજેટના સંયુક્ત સચિવ રૂપવંતસિંહને અધિક સચિવની પદોન્નતિ સાથે સિલેકશન ગ્રેડમાં મુકાયા છે. એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગના ડાયરેકટર ડૉ. સંધ્યા ભુલ્લર, સાબરકાંઠાના કલેકટર સ્વરૂપ પી., વડોદરાના કલેકટર શ્રીમતી અવંતિકાસિંહ ઔલખ, સુરેન્દ્રનગરના ડીડીઓ જે. કે. આસ્તિકને પણ સિલેકશન ગ્રેડમાં મૂકાયા છે. આ તમામ આઇએએસ અધિકારીઓ વર્ષ ૨૦૦૩ની બેચના છે.

You might also like
728_90