નવા પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં બે દિવસ પાણીની મુશ્કેલી સર્જશે

અમદાવાદ: મ્યુનિ.. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા છાશવારે જે તે વોટર વર્ક્સમાં રિપેરિંગ કામ હાથ ધરાય છે ત્યારે શેઢી કેનાલમાં ભંગાણ સર્જાય છે, જેના કારણે અમદાવાદીઓના માથા પર દિવાળી જેવા સપરમા દિવસોમાં પાણીકાપની તલવાર તોળાયેલી રહે છે. જાસપુર વોટર વર્ક્સમાં આજે હાથ ધરાયેલી ટેક‌િનકલ કામગીરીના પગલે નવા પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોનમાં ‌બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે.

જાસપુર વોટર વર્ક્સના ર૭પ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર બેડ હાઉસમાં મિકેનિકલ કામગીરીની આવશ્યકતા સર્જાઇ છે. કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા આજે દશ વાગ્યાથી આ કામગીરી હાથ ધરાઇ છે, જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જાસપુર વોટર વર્ક્સમાં આજે દિવસભર ચાલનારી મિકેનિકલ કામગીરીના પગલે નવા પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં બે દિવસ પાણીનો કકળાટ સર્જાશે. વોટર પ્રોડક્શન વિભાગનાં સૂત્રો કહે છે, આ બન્ને ઝોનના લોકોને આજે સાંજનો પાણી પુરવઠો તેમજ આવતી કાલ સવાર-સાંજનો પાણી પુરવઠો નિર્ધારિત પુરવઠા કરતાં એક અંદાજ પ્રમાણે રપ ટકા જેટલો ઓછો અપાશે, જોકે શનિવાર સવારથી બન્ને ઝોનમાં પાણીનો પુરવઠો રાબેતા મુજબ થઇ જશે.

You might also like