અમદાવાદીઅોને FIR નોંધાવવા હવે પોલીસ સ્ટેશન નહીં જવું પડે

અમદાવાદ:  નાગરિકને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કે પછી પોલીસ સ્ટેશન સંબંધી મંજૂરી કે કામગીરી માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. અાગામી બે મહિનામાં ગુજરાત પોલીસ અમદાવાદ સહિત તમામ શહેરો અને જિલ્લાઓમાં સિટીઝન પોર્ટલ સર્વિસ શરૂ કરી રહી છે. કોઈપણ નાગરિક કમ્પ્યૂટર ઓનલાઈન અને મોબાઈલ એપથી એફઅાઈઅાર નોંધાવી શકશે
પોલીસ ચોપડે નોંધાતા ગુનાઓથી લઈને ધરપકડ કરાતા અારોપીઓની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ રહે એ માટે ગૃહવિભાગ દ્વારા ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અમલ કરાયો હતો.

અા પ્રોજેક્ટ હેઠળ પોલીસની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે અા કામગીરી સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોને સોંપવામાં અાવી છે જે પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ વિભાગની કામગીરી સત્તાવાર ઓનલાઈન થઈ રહી છે. જ્યારે કોઈપણ ફરિયાદ નાગરિકને નોંધવાની હોય છે ત્યારે તેમજ પાસપોર્ટ માટેનો ઓબ્જેક્શન સર્ટીફિકેટ (એનઓસી), જાહેરસભા કે પછી રેલીની મંજૂરી, હથિયાર પરવાના માટેની મંજૂરી, તથા પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ જેવી અનેક કામગીરી માટે નાગરિકોએ પોલીસ સ્ટેશન અથવા પોલીસની સંબંધિત કચેરીમાં જવું પડે છે. જોકે સિટીઝન પોર્ટલ સર્વિસ શરૂ થતાં તમામ કામગીરી ઓનલાઈન થઈ જશે.

ગૃહવિભાગે ઈ ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત સિટીઝન પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અાવનારા એકાદ બે મહિનામાં સિટીઝન પોર્ટલ શરૂ થઈ જશે. અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરો તથા જિલ્લાઓમાં સિટીઝન પોર્ટલની મોબાઈલ એપ શરૂ કરવામાં અાવશે. જેથી મોબાઈલથી પણ સરળતાથી તમામ ઓનલાઈન સર્વિસનો લાભ લઈ શકાશે.
સિટીઝન પોર્ટલનો ઉપયોગ કરવા માટે જે તે વ્યક્તિને પાનકાર્ડ, અાધારકાર્ડ, લાઇસન્સ, પોસપોર્ટનો નંબર લોગ ઈન અાઈડી તરીકે નાખવાનો રહેશે. તે પછી પાસવર્ડ પસંદ કરવાનો રહેશે. કોઈ પણ નાગરિકને ફરિયાદ કરવી હોય તો તે કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી છે તે પણ જાણી શકશે.

સિટીઝન પોર્ટલ પર કરેલી ફરિયાદના અાધારે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પહોંચી જશે એડીશનલ ડીજીપી સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે કે સિટીઝન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન પછી નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે અને નાગરિક માટે સુવિધાવાળી અા એપ્લિકેશન બની રહેશે.
ઉલ્લેખનીય છે કે એફઅાઈઅાર કે અરજી પર શું કામગીરી થઈ તેનું સ્ટેટસ પણ અરજદારને ઓનલાઈન જાણવા મળશે.

જ્યારે કોઇપણ નાગરિક ફરિયાદ દાખલ કરાવવા માટે કે પછી કોઇપણ પોલીસ મંજૂરી માટે એપ્લિકેશનનો ઉપયોગ કરશે તો તેમાં જેતે વિસ્તારનું સરનામું આપવું પડશે. સરનામા પરથી કઇ પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે કે મંજૂરી લેવાની છે તેની જાણકારી ગણતરીની સેંકડોમાં મળી જશે. જેથી કરીને હદને લઇને પોલીસ સ્ટેશનોમાં ઊભા થતા વિવાદનો અંત આવશે.

બે ત્રણ મહિના પહેલાં ઇ ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત સાથી પ્રોજેક્ટ પણ શરૂ કરી દેવાયો છે જેમાં આઇપીએસ ઓફિસરો તેમની રજા માટે સાથી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા રાજ્યના પોલીસવડાથી લઇને કોન્સ્ટેબલ સુધી તમામ લોકોના સ્ટેટસ તથા તેમના ડ્યુટી પરના રેકર્ડ ઓનલાઇન જાણી શકાશે.

You might also like