અમેરિકાના નવા પ્રમુખે ૧૦૦ દિવસની અંદર મોદીને મળવું જોઈએ: થિંક ટેંક

વોશિંગ્ટન: એક ટોચની અમેરિકન થિંક ટેંકે સૂચન કર્યું છે કે અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખે પદભાર ગ્રહણ કર્યા બાદ ૧૦૦ િદવસની અંદર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવી જોઈએ કે જેથી બંને દેશના સંબંધોને લઈને એક મહત્ત્વપૂર્ણ સંદેશ જાય. “ઈન્ડિયા-યુએસ કો-ઓપરેશન” મથાળા હેઠળના એક મુખ્ય રિપોર્ટમાં સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (સીએસઆઈએસ)એ લખ્યું છે કે આગામી નવા અમેરિકન પ્રશાસને એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે ભારત એવી મૂળભૂત સમજૂતી પર હસ્તાક્ષર કરે કે જેનાથી બંને દેશ વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ સુદૃઢ બને.

અમેરિકન થિંક ટેંકનું માનવું છે કે જો આ પ્રકારની સમજૂતી નહીં થાય તો અમેરિકા માટે ભારતને આધુનિક સેન્સિંગ, કમ્પ્યૂટિંગ અને કોમ્યુનિકેશન ટેકનિક આપવી અશક્ય બની જશે કે જેની ભારતને પોતાની સંરક્ષણ તાકાત માટે સૌથી વધુ જરૂર છે. સીએસઆઈએસે પોતાના રિપોર્ટમાં ભલામણ કરી છે કે અમેરિકા અને ભારતે પારસ્પારિક સબમરીન સંરક્ષણ અને એન્ટી સબમરીન યુદ્ધના પ્રયાસો સહિત સંયુક્ત તાલીમ અને કાર્યક્ષમતાનું વિસ્તરણ કરવું જોઈએ. સંરક્ષણ ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈને લઈને અહેવાલમાં જણાવાયું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં પણ સઘન વાતચીત થવી જોઈએ.

સીએસઆઈએસે જણાવ્યું છેકે મોદીનો ઉદય એક શક્તિશાળી નેતા તરીકે થઈ રહ્યો છે અને એટલા માટે અમેરિકાએ એશિયા પેસિફિક પ્રદેશમાં પોતાની રણનીતિને વધુ મજબૂત અને સંતુલિત કરવાની જરૂર છે. અમેરિકાને શક્તિશાળી નેતા તરીકે ઊભરી રહેલા નરેન્દ્ર મોદીની સાથે સતત વાતચીત કરવાની તક મળતી રહેશે.

You might also like