નવા હોદ્દેદારોને ‘જૂની ગાડી’થી ચલાવવું પડશે

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં આજે સાંજે મળનારી બોર્ડ બેઠકમાં નીચલી કમિટીઓના સભ્યોની નિમણૂક કરાશે એટલે કે નીચલી કમિટીઓના ચેરમેન-ડેપ્યુટી ચેરમેન નક્કી થશે. આ નવા હોદ્દેદારો નિમાતાં પુનઃ મ્યુનિ. મુખ્યાલયમાં ધમધમાટ જોવા મળશે. જોકે નવા હોદ્દેદારોને ‘જૂની ગાડી’થી ચલાવવું પડશે. મ્યુનિ. વહીવટી તંત્રએ પાણી પહેલાં પાળ બાંધતા હોય તેમ હોદ્દેદારોની ગાડીઓ હજુ બહુ જૂની ન થઇ હોવાનો આડકતરો મેસેજ ચૂંટાયેલી પાંખને પાઠવી દીધો છે.

આમ તો કોર્પોરેશનની નવી ચૂંટાયેલી પાંખ ગત તા.૨ ડિસેમ્બર, ૨૦૧૫એ જાહેર થઈ હતી. ભાજપે કુલ ૧૯૨ બેઠક પૈકી ૧૪૨ બેઠક જીતીને કોર્પોરેશનમાં સતત ત્રીજી વખત સત્તાનાં સૂત્રો પ્રાપ્ત કર્યાં છે. શાસક પક્ષ તરીકે ભાજપે કાર્યભાર સંભાળ્યો છે, પરંતુ નીચલી કમિટીઓની વરણીનું કામકાજ અટક્યું હોવાથી વહીવટ શિથિલ ગતિએ ચાલી રહ્યો હતો, જે હવે બે-ત્રણ દિવસમાં ધમધમવા લાગશે.

જોકે નવા હોદ્દેદારોને છેલ્લી ટર્મના હોદ્દેદારોએ ચલાવેલી ‘જૂની ગાડીથી હમણાં ચારેક વર્ષ કામ ચલાવવું પડશે. આ મહાનુભાવોને નવી ગાડી નહીં મળે. અલબત્ત, નવા હોદ્દેદારોને નવી ગાડી આપવી જોઈએ તેવો ગણગણાટ થઈ રહ્યો છે, પરંતુ હાલના સંજોગોમાં જો નવી ગાડી અપાશે તો પ્રજાના પરસેવાની કમાણીનો નકર્યો વેડફાટ જ થશે.’

મેયરની ઈનોવા ગાડી હજુ પાંચ વર્ષ જૂની છે
મ્યુનિ. કોર્પોરેશને પાંચ વર્ષ પહેલાં મેયર માટે આશરે રૂ.દસ લાખની કિંમતની ઈનોવા ગાડી ખરીદી હતી. આ ગાડી પણ હજુ ત્રણ વર્ષ રસ્તા પર સડસડાટ દોડી શકે તેમ છે. બીજા અર્થમાં મેયરને પણ નવી ગાડીની કોઈ જરૂર નથી.

નીચલી કમિટીઓના ચેરમેનની ગાડી ચાર વર્ષ પહેલાં ખરીદાઈ હતી
જ્યારે નીચલી કમિટીઓના ચેરમેન રૂ.૭.૫૦ લાખની ડિઝાયર એસી ગાડી ધરાવે છે. જે ચાર વર્ષ જ જૂની છે એટલે કે હજુ અડધોઅડધ કાર્યકાળ પણ પૂરો થયો નથી. નવા હોદ્દેદારો બીજાં ચાર વર્ષ આ ગાડી આરામથી ચલાવી શકે છે.

ટોચના હોદ્દેદારો હ્યુન્ડાઈ વર્નાનો આનંદ માણે છે
ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપના નેતા, કોંગ્રેસના નેતા માટે રૂ.૯.૫૦ લાખની કિંમતની હ્યુન્ડાઈ વર્ના ગાડી ખરીદાઈ છે. આ ગાડીને પણ હજુ ચાર વર્ષ ચલાવી શકાય તેમ છે.

લાલાભાઈ ઠાકોરને ‘સ્પેર’ ગાડી અપાશે
ભાજપ દ્વારા લાગતા-વળગતાને ઠેકાણે પાડવા પક્ષના દંડકની ‘નવી’ જગ્યા ઊભી કરાઈ છે. આ દંડકની જગ્યા પર થલતેજના લાલાભાઈ ઠાકોરને બેસાડવામાં આવ્યા છે, પરંતુ દંડકને નવી ગાડી આપવાના બદલે ‘સ્પેર’ ગાડી ફાળવી દેવાશે તેવી ચર્ચા છે.

You might also like