ન્યૂ રાણીપમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતા ચારની ધરપકડ

અમદાવાદઃભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન ડે મેચ પર સટ્ટો રમાડતા ચાર શખ્સની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કાર, સ્કૂટર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે એલ ડિવિઝન એસીપી અર્પિતા પટેલને બાતમી મળી હતી કે ન્યૂ રાણીપ શુકન સ્માઇલ ફલેટમાં મેચ પર સટ્ટો રમાઇ રહ્યો છે. જેના આધારે એસીપી સ્કવોડ અને સાબરમતી પોલીસે સંયુકત રીતે ન્યૂ રાણીપના શુકન સ્માઇલ ફલેટના બ્લોક નં.એ-પ/ર૦૧માં દરોડો પાડયો હતો.

દરોડો પાડી પોલીસે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ત્રીજી વન ડે મેચ પર સટ્ટો રમાડતા વિમલ કાંતિભાઇ પટેલ (ઉં.વ.ર૯, રહે. શુકન સ્માઇલ સિટી, ન્યૂ રાણીપ), રોનક રસિકભાઇ પટેલ (ઉં.વ.રપ, રહે. શુકન સ્માઇલ સિટી, ન્યૂ રાણીપ), વિકાસ દશરથભાઇ પટેલ (ઉંં.વ.રર, રહે. કુવાસણા, મહેસાણા) અને કનુભાઇ બચુભાઇ પટેલ (ઉં.વ.૪ર રહે. રહે. શુકન સ્માઇલ સિટી, ન્યૂ રાણીપ)ને ઝડપી લીધા હતા. પોલીસે ઘરમાંથી ૧ર મોબાઇલ ફોન, ટેબ્લેટ, બે લેપટોપ, ટીવી, કાર સહિત જુગાર રમવાનાં સાધન મળી કુલ રૂ.૪.૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ મેચનો સટ્ટો કયાં કપાવતા હતા વગેરેની તપાસ પોલીસે શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like