ન્યુ મણિનગરમાં રિક્ષાચાલકની હત્યાના ત્રણ આરોપી પકડાયા

અમદાવાદ: રામોલના ન્યૂ મણિનગર વિસ્તારમાં ધંધાની અદાવતમાં રિક્ષાચાલકના ચકચારી હત્યા કેસમાં રામોલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મંગળવારની મોડી રાત્રે ગરીબ આવાસ યોજનામાં રિક્ષાચાલક હકીમ ઘાંચીને ચાર કરતાં વધુ વ્યકિતઓએ દોડાવી દોડાવીને ઢોર માર માર્યો હતો. જેમાં હકીમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

મંગળવાર રાત્રે દસ વાગ્યાની આસપાસ ન્યૂ મણિનગરમાં આવેલ ગરીબ આવાસ યોજનામાં હકીમ પોતાની રિક્ષા લઇને ગયો હતો. હકીમ અને ઇમ્તિયાઝ વચ્ચે ધંધા મામલે બોલાચાલી થઇ હતી. દરમિયાનમાં સુભાષ, કુણાલ બારોટ, રવિ, મહેશે હકીમ પર લાકડીથી માર મારવાનું શરૂ કર્યું હતું. હકીમને ૧૦૦ મીટર સુધી દોડાવી દોડાવીને ઢોર માર માર્યો હતો. જ્યાં તે રોડ પર ઢળી પડતાં તેનું મોત નીપજ્યું હતું. ખોખરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાદવે જણાવ્યું કે ઇમ્તિયાઝની મોડી રાત્રે તેના ઘર પાસેથી ધરપકડ કરી લીધી છે ત્યારે અન્ય બે આરોપીને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા છે તેમની પૂછપરછ બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
http://sambhaavnews.com/

You might also like