શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં જેટલી પણ વ્યક્તિઓ અને અધિકારીઓએ સુરક્ષા મેળવી છે, જો તેઓ સુરક્ષાકર્મીઓનો ઉપયોગ ઘરકામ કરવા માટે કરશે તો તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે- આ નિર્ણય છે જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક એસપી વૈદ્યનો. છેલ્લા કેટલાક સમયથી સૈન્યમાં ચાલી રહેલી ખટપટોએ રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. એવી જ સ્થિતિ પોલીસવિભાગમાં પણ જોવા મળે છે.
આપણા ગુજરાતમાં પણ થોડા સમય અગાઉ પોલીસ અધિકારી અને તેમની પત્ની પર સુરક્ષાકર્મીઓ પાસે ઘરનું કામ કરાવવાનો અને તેમને બંધક બનાવવાનો આરોપ લાગ્યો હતો. હવે બધે કાગડા કાળા જેવી સ્થિતિ છે અને આ સ્થિતિની સામે જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકે કડક વલણ દાખવ્યું છે. વૈદ્યનું કહેવું છે કે પોલીસ સુરક્ષાકર્મીઓને મૂળભૂત સુવિધાથી વંચિત રાખવા અને તેમની પાસે સેવકનું કામ કરાવવું ગુનો માનવામાં આવશે.
જો તપાસમાં કોઇ વ્યક્તિ કે અધિકારી આ પ્રકારનો ગુનો આચરતા મળી આવ્યા તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં પણ છેલ્લા કેટલાક સમયથી પોલીસ સુરક્ષાકર્મીઓ પાસે ભોજન બનાવડાવવું, વાસણો સાફ કરાવવાં, કરિયાણું લઇ આવવું વગેરે જેવાં કામ કરાવવામાં આવતાં હોવાની ફરિયાદો ઊઠી રહી હતી.