કાળા નાણાને કાબુમા લેવા નવો કાયદો અમલી : દોષીતને થશે 7 વર્ષની કેદ

નવી દિલ્હી : કાળા નાણાની લેવડ દેવડ પર અંકુશ લાવવા માટે નવો કાયદો આજથી અમલી બની ગયો છે. આ કાયદા અંતર્ગત કાળા નાણાના આરોપો સાબિત થયા બાદ 7 વર્ષની સજા અને દંડની જોગવાઇ છે. આજથી કોઇ વ્યક્તિ મકાન કે જમીનની ખરીદી કરી પોતાના નામે, પત્નીના નામે, સંતાનો કે ભાઇ બહેન સાથે સંયુક્ત રીતે ખરીદવાને બદલે અન્ય કોઇના નામે ખરીદશે અને સરકારને ખબર પડશે તો આવી સંપત્તિ જપ્ત કરી લેવાશે.

એટલું જ નહી, વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલની સજા પણ થશે અને જમીન કે મકાનના વર્તમાન બજારભાવના 25 ટકા રકમનો દંડ પણ ફટકારાશે. આ પહેલા કાળાનાણા માટેના જૂના કાયદામાં ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ કે બંન્નેની જોગવાઇ હતી. નવા કાયદામાં આવી લેવડ દેવડમા ઇરાદા પુર્વક ખોટી માહિતી આપનારા સામે પણ આકરા દંડની જોગવાઇ છે. આમ કરનારને ઓછામાં ઓછા 6 મહિના અને મહત્તમ પાંચ વર્ષની આકરી જેલની સજા થશે.

ઉપરાંત સંપત્તિના બજારભાવના 10 ટકા રકમનો દંડ પણ કરાશે. નવા કાયદા મુજબ વ્યક્તિ તેના પોતાના જીવન સાથીના નામે સંતાનના નામ કે પછી ભાઇ – બહેન સાથે ભાગીદારીમાં કોઇ સંપત્તિ ખરીદે તો તેના માટે ચુકવવામાં આવનારી રકમનો સ્ત્રોત જાણીતો હોવો જોઇએ. મતલબ કે આવકવેરા વિભાગને આવકનો સ્ત્રો માલુમ હોવો જોઇએ. જો તેમ ન હોય તો આવી સંપત્તિ ગેરકાયદેસર – બેનામી સંપત્તિ ગણાશે.

You might also like