બહારની દુનિયામાં રહી ન શક્યો તો કેદીએ ફરી જેલમાં જવા બેન્ક રોબરી કરી

ન્યૂ જર્સી: અમેરિકામાં રહેતો વિલિયમ ગેલેધર થોડા દિવસ પહેલાં ૨૦ વર્ષની જેલની સજા પૂરી કરીને બહાર આવ્યો હતો. બાકી કેદીઓની જેમ તે પણ નવેસરથી જિંદગી જીવવા ઇચ્છતો હતો, પરંતુ બહારની દુનિયામાં એડજસ્ટ કરવું તેના માટે મુશ્કેલ બની ગયું. તેણે ફરી વખત ચોરી કરીને જેલ જવાનું યોગ્ય માન્યું.

ન્યૂ જર્સીની જેલમાંથી પરત ફરીને વિલિયમ આ વખતે રોબરી કરવા વિસ્કોન્સીન પહોંચ્યો હતો, કેમ કે તેને કોઇકે કહ્યું હતું કે અહીની જેલમાં કેદીઓને વધુ સારું ખાવાનું અને સુવિધા મળે છે. તેથી વિલિયમે ત્યાં જઇને બેન્ક લૂંટવાની કોશિશ કરી. વિલિયમનો ઇરાદો બેન્ક લૂંટવાનો જરાય ન હતો, કેમ કે તે માત્ર જેલમાં જવા ઇચ્છતો હતો.

વિલિયમના એક મિત્રએ જણાવ્યું કે જેલમાંથી પરત ફર્યા બાદ રોજિંદાં કાર્યો કરવા પણ તેના માટે સરળ ન હતાં. તે આ પહેલાં હત્યાના પ્રયાસમાં દોષી ઠર્યો હતો અને જેલ ગયો હતો, પરંતુ આ વખતે જેલ જવા માટે તેણે બેન્ક રોબરી પસંદ કરી, પરંતુ આ કોઇ સામાન્ય રોબરી ન હતી. બેન્ક જઇને વધુમાં વધુ પૈસા લૂંટવાના બદલે તેણે માત્ર ૧૦૦ ડોલરની માગણી કરી અને મેનેજરને પોલીસને ફોન કરીને ફરિયાદ કરવા કહ્યું. િવલિયમ જ્યારે બેન્ક લૂંટવા ગયો તો રિક્વેસ્ટ કરીને પોલીસે બોલાવાઇ.

આ કેસ કોર્ટમાં પહોંચતાં વિલિયમે ખુદ માટે ૧૦ વર્ષની જેલની સજાની માગણી કરી તેના પર બુધવારે સુનાવણી થશે. અગાઉની સુનાવણીમાં વિલિયમે કહ્યું હતું કે જજસાહેબ, હું પાગલ નથી. હું ૬૮ વર્ષનો છું અને અત્યારે મારી ઘડિયાળ સામે જોઉ છું ત્યારે વિચારું છું કે જેલમાં શું થઇ રહ્યું હશે. અહીં રહીને પણ અહીંની જિંદગી અંગે િવચારી શકતો નથી. વકીલ ખુદ આ કેસને લઇને હેરાન છે.

You might also like